જામનગરના નારણપર ગામમાં બે સેઢા પાડોશીઓ વચ્ચે પૈસાની લેતી દેતીના મામલે તકરાર : બંને પક્ષે 8 વ્યક્તિ ઘાયલ
Crime News Jamnagar : જામનગર તાલુકાના નારણપર ગામમાં બે સેઢા પાડોશીઓ વચ્ચે લાઇટ બિલના પૈસાની લેતી દેતીના મામલે તકરાર થયા પછી સામસામે ધીંગાણું થયું હતું, જેમાં બંને પક્ષની 8 વ્યક્તિઓ ઘાયલ થઈ છે. જે મામલે સામસામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
જામનગર તાલુકાના નારણપર ગામમાં રહેતા અને ખેતી કામ કરતા અશોકભાઈ વશરામભાઈ બાંભણિયા નામના ખેડૂત યુવાને લાઈટ બિલના પૈસાની લેતી દેતીના મામલે પોતાના ઉપર તેમજ પોતાના ભાઈ ભરત, ચતુર, ભાવેશ, અને પોતાની માતાને ઈજા પહોંચાડવા અંગે પાડોશમાં વાડી ધરાવતા પ્રકાશભાઈ આહીર, કાનાભાઈ અને દેશુરભાઈ ચાવડા સામે ફરિયાદ નોંધાવી છે. જયારે તમામને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં સારવાર અપાઇ છે.
આ ઉપરાંત સામાપક્ષે કાનાભાઈ બચુભાઈ લૈયા નામના ખેડૂતે પોતાને તેમજ પોતાના પરિવારના પ્રકાશભાઈ તેમજ દેશૂરભાઈ ચાવડા ઉપર હુમલો કરવા અંગે સામાજુથના અશોકભાઈ બાંભણિયા, ચતુરભાઈ બાંભણીયા ભરતભાઈ બાંભણીયા અને એક અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે બંને પક્ષની સામ સામે ફરિયાદ નોંધી નારણપર ગામમાં તેમજ જી.જી. હોસ્પિટલમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે.