જામનગર તાલુકાના સચાણા ગામમાં વડીલોપાર્જિત ખેતીની જમીન વાવવાના મામલે બે કુટુંબી ભાઈઓ વચ્ચે તકરાર

Updated: Dec 4th, 2023


Google NewsGoogle News
જામનગર તાલુકાના સચાણા ગામમાં વડીલોપાર્જિત ખેતીની જમીન વાવવાના મામલે બે કુટુંબી ભાઈઓ વચ્ચે તકરાર 1 - image


Image Source: Freepik

એક યુવાન અને તેના પરિવારની બે મહિલા સભ્યો પર હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે પિતરાઈ ભાઈ સહિત ૪ સામે ફરિયાદ

જામનગર, તા. 4 ડિસેમ્બર 2023 સોમવાર

જામનગર તાલુકાના સચાણા ગામમાં આવેલી વડીલો પાર્જિત ખેતીની જમીનમાં વાવેતર કરવાના પ્રશ્ને બે કુટુંબી ભાઈઓ વચ્ચે તકરાર થઈ હતી, અને એક યુવાન અને તેના પરિવારના બે મહિલા સભ્યો પર પિતરાઈ ભાઈના જૂથના ચાર સભ્યોએ લોખંડના પાઇપ-ધોકા વડે હુમલો કરી ઇજા પહોંચાડ્યા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના સચાણા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા ઈમ્તિયાઝ સુલેમાન ભાઈ ગજીયા નામના ૩૦ વર્ષના વાઘેર જ્ઞાતિના યુવાને પોતાના ઉપર તેમજ પોતાના પરિવારના બે મહિલા સભ્યો જેનાબેન તેમજ રિયાના બેન પર લોખંડ ના પાઇપ- ધોકા જેવા હથિયારો વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડવા અંગે પોતાના જ કુટુંબી ભાઈ ઝાકીર ઈબ્રાહીમભાઇ ગજીયા, હુસેન રફીકભાઈ ગજીયા, રફીક ઈબ્રાહીમભાઇ ગજીયા, અને નવાજ રફીકભાઈ ગજીયા સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરીયાદી અને આરોપીઓ પિતરાઈ ભાઈ થાય છે, અને તેઓની વડીલો પાર્જિત ખેતીની જમીન સચાણા ગામમાં આવેલી છે, જે જમીનમાં વાવેતર કરવાના પ્રશ્ને ફરીયાદી ઈમ્તિયાઝભાઈ તથા આરોપી જાકિર વચ્ચે તકરાર થઈ હતી, અને મનદુઃખ ચાલતું હતું, જેના અનુસંધાને ઇકો કારમાં આવી તમામ આરોપીઓએ  હુમલો કરી દીધો હતો, તેમ જ ફરિયાદી યુવાનનો મોબાઇલ ફોન પણ તોડી નાખ્યો હતો. સમગ્ર બનાવ અંગે પંચકોશી એ. ડિવિઝન પોલીસમાં મથકમાં ચારેય આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી છે. જે આરોપીઓ ભાગી છૂટ્યા હોવાથી પોલીસે તમામ આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.


Google NewsGoogle News