જામનગરના ખાણ ખનીજના ધંધાર્થીને બે ભાઈઓએ ધમકી આપી રૂપિયા 20 લાખની માંગણી કર્યાની ફરિયાદ

Updated: Jul 30th, 2024


Google NewsGoogle News
જામનગરના ખાણ ખનીજના ધંધાર્થીને બે ભાઈઓએ ધમકી આપી રૂપિયા 20 લાખની માંગણી કર્યાની ફરિયાદ 1 - image


Jamnagar Crime News : જામનગરમાં વૃંદાવન પાર્ક વિસ્તારમાં રહેતા અને ખાણ ખનીજનો વ્યવસાય કરતા એક વેપારીએ પોતાને ધાક ધમકી આપી ખનીજની લીઝમાં ધરાર ભાગીદાર બનાવવા માટે તેમજ રૂપિયા 20 લાખની માંગણી કરી અને તે મુજબનું સ્ટેમ્પ પેપરમાં લખાણ કરાવી લેવા અંગે લાલપુરના પાંચ દેવડા ગામના બે ભાઈઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં ભારે ચકચાર જાગી છે. બંનેના ત્રાસના કારણે પોતાને ગામ છોડવું પડ્યું હતું. બાદમાં પરિવારજનોના દબાણથી જામનગર આવ્યા પછી ગઈકાલે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

જામનગરમાં વૃંદાવન પાર્કમાં રહેતા અને ખાણ ખનીજનો વ્યવસાય કરતા અજીતભાઈ જયસુખભાઈ પાલા નામના સોની વેપારીએ જામનગરના સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં પોતાને ધાક ધમકી આપી બળજબરીપૂર્વક 20 લાખ રૂપિયા આપવાનું લખાણ કરાવી લેવા અંગે મોટા પાંચ દેવડા ગામમાં રહેતા વસીમ હારુનભાઈ મલેક અને સાજીદ હારુનભાઈ મલેક નામના બે ભાઈઓ સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર આ અગાઉ 2013 ની સાલમાં ફરિયાદીને કાલાવડ તાલુકાના બેરાજા ગામમાં ખનીજની લીઝ મંજુર કરાવવી હતી અને તે માટે અરજી કરવા માટે બંને આરોપીઓ પાસેથી માત્ર 2,500 હાથ ઉછીના લીધા હતા. અને તે લીઝ મંજૂર થઈ જાય ત્યારબાદ બંને ભાઈઓને પોતે દસ હજાર રૂપિયા આપશે તેવું વચન આપ્યું હતું. પરંતુ જે તે વખતે તેની લીઝ મંજુર થઈ ન હતી, પરંતુ કેટલાક વર્ષોની લડત બાદ અને ગાંધીનગર સુધી ઉપર રજૂઆતો અને અરજી તથા મોટો ખર્ચ કરીને આખરે પોતાની લીઝ મંજૂર કરાવી લીધી હતી અને ખાણ ખનીજનો વ્યવસ્થા શરૂ કર્યો હતો. દરમિયાન બંને ભાઈઓએ આવીને લીઝમાં પોતાનો ભાગ માંગ્યો હતો અને તે ગણતરી મુજબ 20 લાખ રૂપિયા આપવા પડશે તેમ કહી ટેલીફોન પર ધમકી આપતાં અજીતભાઈ પાલાએ પોતાની લીઝ અન્ય વ્યક્તિના નામે ટ્રાન્સફર કરી દેવાનું નક્કી કરીને જામનગરની ખાણ ખનીજ વિભાગની કચેરીએ અરજી કરવા માટે આવ્યા હતા.

જે દરમિયાન ઉપરોક્ત બંને આરોપી ભાઈઓ કાર લઈને જામનગર આવ્યા હતા, અને અજીતભાઈ પાલાને ધાકધમકી આપી રૂપિયા 20 લાખના લખાણમાં બળજબરીપૂર્વક સહી કરાવી લીધી હતી. જેના ડરના કારણે અજીતભાઈ પાલા પોતાનો મોબાઇલ ફોન સ્વીચ ઓફ કરીને જામનગર છોડીને ચાલ્યા ગયા હતા.

પરંતુ ગઈકાલે પરિવારજનોની ચિંતા થતાં પત્ની સાથે વાતચીત કર્યા પછી ફરી જામનગર આવ્યા હતા અને સમગ્ર મામલે સીટી એ. ડિવિઝન પોલીસમાં બંને ભાઈઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના અનુસંધાને પોલીસે આઈપીસી કલમ 386, 384, 504, 506-2 અને 114 મુજબ ગુન્હો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News