જામનગર નજીક પડાણા વિસ્તારમાં આવેલી એક ખાનગી કંપનીના એરિયામાંથી રૂપિયા 1.95 લાખની કિંમતના 17 કેબલના બંડલની ચોરીની ફરિયાદ
મેઘપર પોલીસે ગણતરીના કલાકોમાં સીસીટીવી કેમેરાની મદદથી સિક્કાની 8 મહિલાઓને શોધી કાઢી ચોરીનો ભેદ ઉકેલ્યો
Image Source: Freepik
જામનગર, તા. 23 માર્ચ 2024 શનિવાર
જામનગર- ખંભાળિયા ધોરી માર્ગ પર પડાણા ના પાટીયા પાસે આવેલી એક ખાનગી કંપનીના એરિયામાં રાખવામાં આવેલા રૂપિયા ૧ લાખ ૯૫ હજારની કિંમતના જુદા જુદા કોપર કેબલ ના ૧૭ બંડલો ની ચોરી થઈ હતી, તે ચોરી અંગે મેઘપર પોલીસમાં ફરિયાદ નોંધાવ્યા પછી પોલીસે સીસીટીવી કેમેરા વગેરેની મદદથી સિક્કા વિસ્તારની આઠ મહિલાઓની અટકાયત કરી લઈ તેઓ પાસેથી તમામ ચોરાઉ વાયર નો જથ્થો કબજે કરી લીધો છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગર ખંભાળિયા ધોરી માર્ગ પર પડાણા ના પાટીયા પાસે આવેલી સી. આર.-૩ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીના એરિયામાં રાખવામાં આવેલા જુદા જુદા કેબલના બંડલોના જથ્થામાંથી ૧૭ બંડલ વાયર ચોરાઈ ગયા હતા, જેની અંદાજે કિંમત ૧,૯૫,૦૦૦ થાય છે.
જે ચોરી ના બનાવ અંગે મુકેશકુમાર જયંતિલાલ ચાવડા દ્વારા મેઘપર પોલીસમાં ફરિયાદ નોંધાવવા આવી હતી, જે ફરિયાદના અનુસંધાને મેઘપર પોલીસ દ્વારા તપાસ હાથ ધરી લઈ ઉપરોક્ત ચોરીમાં સંડોવાયેલી સિકકા પંથક ની આઠ મહિલાઓ શ્રદ્ધાબેન વિપુલભાઈ પરમાર, મીનાબેન દેવાભાઈ પરમાર, સામુબેન રવિભાઈ પરમાર, ગીતાબેન બાબુભાઈ રાઠોડ, મંગીબેન જુમાભાઈ પરમાર, વિજુબેન બચુભાઈ રાઠોડ, રતુબેન ચોથાભાઈ પરમાર વગેરે ની અટકાયત કરી લઇ તેઓ પાસેથી તમામ ચોરાઉ વાયર ના બંડલો કબજે કરી લીધા છે.