જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર-1 માં સસ્તા અનાજના કચરા વાળા ઘઉં વિતરણ કરાતા હોવાની સ્થાનિકોની ફરિયાદ
જામનગર,તા.1 નવેમ્બર 2021,સોમવાર
જામનગરના વોર્ડ નંબર એકમાં સસ્તા અનાજની દુકાનમાંથી ખૂબ જ કચરાવાળા ઘઉં અપાતા હોવાની ફરિયાદ કરાઈ રહી છે, ઉપરાંત ચોખાનો જથ્થો પણ ખૂબ જ ઓછો અપાતો હોવાની ફરિયાદ ઉઠી છે.
જામનગરના વોર્ડ નંબર-1માં સસ્તા અનાજની દુકાનના વેપારી દ્વારા આસપાસના વિસ્તારની ગરીબ પ્રજાને કાંકરી વાળા અને કચરાથી મિકસ થયેલા ઘઉં ધાબડી દેવામાં આવે છે, તેવી સ્થાનિક નાગરિકોની ફરિયાદ પછી આગેવાનો દોડી આવ્યા હતા, અને સસ્તા અનાજના વેપારી વિરૂદ્ધ પુરવઠા વિભાગમાં ફરિયાદ કરવામાં આવી છે.
સાથોસાથ વેપારી દ્વારા ગ્રાહકોને ચોખામાં પણ નિયત કરતાં ઓછો જથ્થો આપીને ધમકાવવામાં આવે છે, અને ફરિયાદ કરવી હોય તો લાલ બંગલે કરી આવો. તેમ કહી ધક્કે ચઢાવતા હોવાનું ધ્યાનમાં આવતાં સ્થાનિક આગેવાનોએ પુરવઠા તંત્રને જાણ કરી છે.