Get The App

જામનગરના દડીયા ગામમાં ઢોરના પ્રશ્ને બે પરિવારો વચ્ચે થયેલી જૂથ અથડામણમાં બંને પક્ષે સામ સામે ફરિયાદ નોંધાવાઈ

Updated: Sep 26th, 2024


Google NewsGoogle News
જામનગરના દડીયા ગામમાં ઢોરના પ્રશ્ને બે પરિવારો વચ્ચે થયેલી જૂથ અથડામણમાં બંને પક્ષે સામ સામે ફરિયાદ નોંધાવાઈ 1 - image


Jamnagar Crime : જામનગર તાલુકાના દડીયા ગામમાં ગઈકાલે સવારે ઢોર બાબતે બે પરિવારો બાખડી પડ્યા હતા અને સામસામા હથિયારો વડે હુમલા કરાતાં બંને પક્ષના મળી ત્રણ મહિલા સહિત નવ વ્યક્તિઓને નાની મોટી ઈજા થઈ હતી. જે બનાવ સંદર્ભે બંને પક્ષે સામ સામે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.

 આ બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના દડીયા ગામમાં રહેતા લાલજીભાઈ રમેશભાઈ નંદા તથા તેના પરિવારને પાડોશમાં જ રહેતા સુભાષભાઈ નંદા તેમજ તેના પરિવાર સાથે ઢોર બાબતે તેમજ જૂના મનદુઃખના કારણે ગઈકાલે સવારે ઝઘડો થતાં ધીંગાણું થયું હતું, અને બંને જૂથ વચ્ચે સામસામમાં હથિયારો વડે હુમલા કરાયા હતા જેમાં બંને પક્ષના મળી ત્રણ મહિલા સહિત નવ જેટલા વ્યક્તિઓને નાની મોટી ઈજા થઈ હતી, અને 108 નંબરની એમ્બ્યુલન્સ તેમજ જુદા-જુદા વાહનો મારફતે સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 

 આ બનાવની જાણ થતાં પંચકોશી એ. ડિવિઝનનો પોલીસ કાફલો દોડતો થયો હતો, અને બનાવના સ્થળે તેમજ જીજી હોસ્પિટલમાં દોડી ઇજાગ્રસ્તોના નિવેદનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી હતી.

 જે બનાવ મામલે લાલજીભાઈ રમેશભાઈ નંદાએ પોતાના ઉપર તેમજ પોતાના પરિવારના સભ્યો પર હુમલો કરવા અંગે સુભાષ નંદા, દિપાલીબેન નંદા, ચિરાગ નંદા, સુનિલ નંદા, રોહિત નંદા, કરણ નંદા અને પંકજ નંદા સામે ફરિયાદ નોંધાવી છે.

 જયારે સામા પક્ષે રોહિત ભાવેશભાઈ નંદાએ સામા જૂથના જોશનાબેન રમેશભાઈ નંદા, રમેશભાઈ નંદા, લાલાભાઇ રમેશભાઈ નંદા અને સાગર રમેશભાઈ નંદા સામે વળતી ફરિયાદ નોંધાવી છે.


Google NewsGoogle News