હડમતીયાના કરિયાણાના વેપારીને માર મારી રોકડ અને જમીનના દસ્તાવેજો સહિતના સાહિત્યની લૂંટ ચલાવવા અંગે બે ભાઈઓ સામે ફરિયાદ
Image: Freepik
Hadmatiya: ધ્રોળ તાલુકાના સણોસરા ગામ પાસેથી બાઈક લઈને જઈ રહેલા હડમતીયા ગામના અનાજ કરીયાણાના વેપારીને તેના ગામનાજ બે શખ્સોએ ધોકા વડે હુમલો કરી ફ્રેક્ચર કરી નાખ્યા ની તેમજ તેની પાસેથી રૂપિયા ૩૩૦૦ ની રોકડ રકમ તેમજ જમીનના દસ્તાવેજ સહિતના સાહિત્યની લૂંટ ચલાવ્યાની ફરિયાદ ધ્રોળ પોલીસ મથકમાં નોંધાવાઇ છે અને આરોપી વચ્ચે જમીનના પ્રશ્ને વાંધો ચાલતો હોવાથી તેની પોલીસમાં ફરિયાદ કરવા જતાં રસ્તામાં આ હુમલો કરાયો હતો.
આ બનાવની વિગત એવી છે કે પડધરી તાલુકાના હડમતીયા ગામમાં રહેતા અને અનાજ કરિયાણા નો વેપાર કરતા હસમુખભાઈ શામજીભાઈ ચૌહાણ નામના ૩૮ વર્ષના વેપારી યુવાને ધ્રોલ પોલીસમાં પોતાને ધોકા વડે માર મારી હાથમાં ફ્રેક્ચર સહિતની ઈજા પહોંચાડવા અંગે તેમજ પોતાની પાસેથી રૂપિયા ૩,૩૦૦ ની રોકડ રકમ અને જમીનના દસ્તાવેજ સહિતના કાગળોની ફાઈલ વગેરેની લૂંટ ચલાવવા અંગે પડધરીમાં જ રહેતા બે ભાઈઓ મહેશ નાથાભાઈ સોલંકી અને જયંતીભાઈ નાથાભાઈ સોલંકી સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી અને આરોપી વચ્ચે જમીન બાબતે વાંધો ચાલતો હતો, અને પડધરીની અદાલતમાં કેસ પણ કરેલો છે. જે મામલે ગઈકાલે ફરિયાદી અને આરોપી વચ્ચે ફરીથી ઝઘડો થયો હતો. જેની ફરિયાદ નોંધાવવા માટે કરિયાણાના વેપારી પોતાના બાઈક પર પડધરી પોલીસ મથકમાં જઈ રહ્યા હતા.
દરમિયાન બંને આરોપી ભાઈઓએ ધ્રોલ તાલુકાના સણોસરા ગામના પાટીયા પાસે વેપારીનું બાઈક રોકાવી ધોકા વડે હુમલો કરી ફેક્ચર કરી નાખ્યું હતું, તેમજ તેની પાસેથી રૂપિયા ૩,૩૦૦ ની રોકડ રકમ તથા જે જમીનનો વાંધો ચાલે છે, તે જમીનના દસ્તાવેજો સહિતના સાહિત્ય વગેરેની લૂંટ ચલાવી ભાગી છુટ્યા હતા. આ હુમલા તથા લૂંટ અંગેની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે અને તેઓની શોધખોળ હાથ ધરી છે.