કાલાવડ તાલુકાના હરીપર ગામના ખેડૂત સાથે રૂ. 27 લાખની છેતરપીંડી અંગે વડોદરાની મહિલા સામે ફરિયાદ

Updated: Jun 2nd, 2024


Google NewsGoogle News
કાલાવડ તાલુકાના હરીપર ગામના ખેડૂત સાથે રૂ. 27 લાખની છેતરપીંડી અંગે વડોદરાની મહિલા સામે ફરિયાદ 1 - image


Image Source: Freepik

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના હરીપર ગામના ખેડૂત સાથે રૂ ૨૭ લાખ ની રકમ ની છેતરપીંડી કરવા અંગે વડોદરા ની મહિલા સામે ફરિયાદ નોંધાવાઈ છે. ફેસબુક મારફત બંને સંપર્ક માં આવ્યા પછી પ્રથમ ઉછીના પૈસા લીધા હતા. અને ત્યાર પછી અંગત વિડિયો વાયરલ કરી દેવા ની ધમકી આપી વધુ પૈસા ની માંગણી કરવામાં આવી હતી. આખરે મામલો પોલીસ દફતરે પહોંચવા પામ્યો છે.

કાલાવડ તાલુકા નાં હરીપર ગામ નાં અમૃતભાઈ દામજીભાઈ વસોયા ( ઉ.વ.૫૮ ) વર્ષ ૨૦૨૦ ની સાલમાં જુન મહીનામા ફેસબુક મારફત કવીતાબેન અશ્વિનભાઈ મીસ્ત્રી ( રહે. એ/૬, પ્રભાત ફલેટ . રણમુકતેશ્વર રોડ, યમુનાનગર, પ્રતાપનગર પાસે, વડોદરા ) સાથે સંપર્કમા આવ્યા હતા, બન્ને વચ્ચે ભાઈ-બહેન તરીકે વાતચીત થતી હતી. કવિતાબેન એ કહ્યું હતું કે મારા પતી ગુજરી ગયેલ છે, અને હાલ હું તથા મારી દીકરી નેન્સી એમ એમો બન્ને સાથે રહીએ છીએ અને મારી આર્થીક પરીસ્થિતી નબળી છે.

સને ૨૦૨૦ની સાલમા જુલાઇ મહીનામા કવિતાબેને વાત કરેલ કે હાલ મારી નોકરી છુટી ગયેલ છે અને મારે ઘર ચલાવવામાં પણ તકલીફ આવે છે તમે મને આર્થિક રીતે મદદ કરો જેથી અમૃતભાઈ એ તેને બહેન ગણી રૂ.૩,૦૦૦ ટ્રાન્સફર કરેલ હતા, અને બાદ થોડા દીવસ પછી આ કવીતાબેને જણાવેલું કે, તેઓની દીકરી નેન્સી ધોરણ- ૭ માં અભ્યાસ કરે છે, અને તેની ફીના રૂ. ૧૨,૦૦૦ ભરવાના છે તો તમે અમને આર્થીક મદદ કરો જેથી મે મારા મીત્ર કમલેશભાઈ વાણીયા રહે-ભાવનગર વાળાને આ કવીતાબેનના એકાઉન્ટમાં પૈસા નાખવાનું કહેતાં કમલેશભાઇએ પોતાના બેંક એકાઉન્ટ મારફતે મારા કહેવાથી તા.૧૬/૦૮/૨૦૨૧૨૦૨૧ ના રોજ કવીતાબેનના એકાઉન્ટમાં રૂ. ૧૨,૦૦૦ ટ્રાન્સફર કરેલ અને અમો બન્ને વચ્ચે અવારનવાર વાતચીત થતી હતી.

તે વખતે આ કવીતાબેને પોતાના દીકરી નેન્સી બાથરૂમમા પડી ગયેલ હોય જેથી તેને બ્રેઈન ઇન્ઝરી થયેલ છે, અને નેન્સી ની સારવાર માટે પૈસાની જરૂર છે .જેથી મારી પાસે પૈસા માંગેલ અને મને કહેલ કે તમે આ પૈસા મને હાલ આપશો તો થોડા સમય પછી બધા જ પૈસા તમોને પરત ચુકવી આપીશ . તેવો વિશ્વાસ ભરોસો આપેલ હતો.

દશેક દીવસ બાદ કવિતાબેને ફરીથી મને જણા વેલું કે પોતાને ગર્ભાશયનું કેન્સર થયુ છે, અને સારવાર પેટે સાડા સાત લાખ કરતાં વધારે રકમની જરૂરીયાત છે. હુ તમને મારા ભાઈ માનુ છુ હું તમોને તમારા તમામ રૂપીયા પરત ચુકવી આપીશ તેવો વિશ્વાસ આપતાં અને લાગણીથી વાતચીત કરતા હોય જેથી મેં મદદ કરવાના આશયથી વિશ્વાસમાં આવી આ કવીતાબેનની તેઓની સારવાર માટે તથા તેની દીકરી નેન્સી ની સારવાર માટે તા.૧૮/૦૮/૨૦૨૧ થી તા. ૧૨/૦૧/૨૦૨૨ સુધીના સમયગાળા દરમ્યાન કટકે કટકે મળી કુલ રૂપી. ૧૧,૦૨,૫૦૦ આ કવિતાબેનના ખાતા મા જમાં કરાવ્યા હતા. 

ત્યાર બાદ મે આ મારા ઉછીના આપેલ પૈસા પરત માંગતા કવિતાબેન અલગ અલગ બહાના બતાવી પૈસા પરત આપેલ નહી, અને એકાદ મહીના પછી કવિતાબેને મને કહેલ કે મારે બેન્ક ઓફ બરોડા મા રૂપીયા ત્રીસ લાખની લોન કરાવવાની છે .અને આ લોન મંજુર કરવા માટે મારે બેન્ક વાળાને રૂપીયા ચાર લાખ એડવાન્સ આપવા પડે તેમ છે. જેથી તમે મને ચાર લાખ રૂપીયા આપો જેથી મારી લોન મંજુર થયે તમારા મારી પાસે લીધેલા બધા પૈસા ચુકવી આપીશ તેમ કહેતા મે કાલાવડ ની આંગડીયા પેઢી મારફત રૂ. ૪,૦૦,૦૦૦ કવિતાબેન ને મોકલેલ હતા.

તેના થોડા દીવસ બાદ ફરી કવિતાબેન એ મારી પાસે પૈસાની માંગણી કરતાં મને લાગેલું કે આ કવિતાબેન મારી સાથે વિશ્વાસઘાત કરે છે. જેથી મે તેઓને મારા અગાઉના પૈસા પરત આપવાનુ કહેતા આ કવિતાબેને મને કહેલ કે, મે બાથરૂમમા તમારા વિડોયોકોલનો વિડીયો ઉતારી લિધેલ છે. જો તમે મને રૂપીયા ૫,૫૦,૦૦૦ નહી આપો તો હુ તમારો વિડીયો સોશ્યલ મીડીયા ઉપર વાયરલ કરી દઇશ. અને તમને જીવવા જેવા નહી રહેવા દઉં, તેમ ધમકી આપતા મને સમાજમા મારી બદનામી થશે તથા મારી જાન જશે તેવી બીક લાગતા મે આંગણીયા મારફતે રૂ .૫,૫૦,૦૦૦ કવિતાબેનને મોકલેલ હતા.

ત્યાર બાદ થોડા થોડા દીવસે કવીતાબેને ફરી પાછી મને ઉપર મુજબની ધમકીઓ આપી ભય બતાવતા મને બીક લાગતા કવીતાબેનના કહેવા મુજબ તા. ૧૮/૦૪/૨૦૨૨ ના રોજ રૂપીયા ૬,૦૦ ,૦૦૦ તથા તા.૨૨/૦૪/૨૦૨૨ ના રૂ.૪૫,૦૦૦ આંગડીયા મારફતે મોકલેલ હતા, અને બાદ મે તેઓને મારા પૈસા પરત આપી દેવાનુ કેહતાં તેઓ મને કોલ તથા મેસેજમા કહેવા લાગેલ કે, તમે મને હેરાન કરો છો હુ આત્મહત્યા કરી લઇશ.

આમ, કવીતાબેન અશ્વિનભાઈ મીસ્ત્રી રહે, (વડોદરા) વાળીએ મને વિશ્વાસમાં લઈ બદદાનતથી લલચાવી, બહાનાઓ બતાવી તેમજ મારી પાસેથી પૈસા કઢાવી લેવાના ઈરાદે મારો વિડીયો સોશ્યલ મીડીયા ઉપર વાયરલ કરી દઈ બદનામી કરી જીવવા જેવો નહી રહેવા દેવાની ધમકીઓ આપી જુલાઇ ૨૦૨૦ થી ૨૨/૦૪/૨૦૨૨ના સમયગાળા દરમ્યાન કટકે કટકે બેંક એકાઉન્ટ મારફતે તથા આંગડીયા મારફતે કુલ રૂપીયા ૨૭,૧૨,૫૦૦ બળજબરી થી પડાવી લઈ આજદિન સુધી પરત નહી ચુકવી વિશ્વાસધાત છેતરપીંડી કરેલ છે. આથી અમૃતલાલ વસોયા એ કવિતાબેન અશ્વીનભાઈ મિસ્ત્રી તથા તપાસમા ખુલે તે તમામ સામે પોલીસમાં ફરીયાદ નોંધાવતા છે. કાલાવડ ગ્રામ્ય પોલીસે તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News