જામનગરમાં શંકર ટેકરી ઉદ્યોગ નગર વિસ્તારમાંથી બાઈક પર પસાર થઈ રહેલા દલિત જ્ઞાતિના દાદા-પૌત્ર પર હુમલો કરી હડધૂત કરાયા: છ સામે ફરિયાદ
જામનગર,તા.27 માર્ચ 2024,બુધવાર
જામનગરના શંકર ટેકરી ઉદ્યોગ નગર વિસ્તારમાંથી બાઈક પર જઈ રહેલા દલિત જ્ઞાતિના દાદા-પૌત્ર પર હુમલો કરી તેઓને ગંભીર સ્વરૂપે ઘાયલ કરાયા હતા, જ્યારે દલિત જ્ઞાતિ ના હોવાથી સમાજમાં હલકા પાડવા માટે હડઘુત કરાયા હતા. જે મામલે 6 શખ્સો સામે ફરિયાદ નોંધાવાઈ છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં શંકર ટેકરી શાસ્ત્રીનગરમાં રહેતા પિયુષભાઈ રમેશભાઈ ખરા (ઉંમર વર્ષ 20) કે જે પોતાના દાદા પુનાભાઈ નાજાભાઇ ખરાના બાઈકમાં પાછળ બેસીને શંકર ટેકરી ઉદ્યોગ નગર વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા, જે દરમિયાન રસ્તામાં બ્રિજરાજસિંહ જેઠવા તથા અન્ય પાંચ સાગરિતોએ ભેગા મળીને ધોકા પાઇપ વડે હુમલો કરી દીધો હતો, અને બંને દલિત જ્ઞાતિના હોવાથી સમાજમાં હલકા પાડવા માટે હડઘુત કરાયા હતા. ઇજાગ્રસ્ત દાદા પૌત્રને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
જે બનાવની જાણ થવાથી સીટી સી. ડિવિઝન પોલીસે હુમલાખોર આરોપી બ્રિજરાજસિંહ જેઠવા અને તેની સાથેના અન્ય પાંચ સાગરીતો સામે હુમલા અંગે તેમજ એસ્ટ્રોસિટી એકટ મુજબ ગુનો નોંધ્યો છે, અને તમામ ની શોધખોળ હાથ ધરી છે. આજથી ત્રણ માસ પહેલાં ફરિયાદી અને આરોપીઓ વચ્ચે તકરાર થઈ હતી, જેનું મનદુ:ખ રાખીને ગઈકાલે દાદા પૌત્ર મામલતદારની કચેરીએ જામીન આપીને પરત ફરી રહ્યા હતા, દરમિયાન તેઓ પર હુમલો કરાયો હતો.