લે બોલો...ડુપ્લીકેટ પાસમાં સુપરફાસ્ટ મુસાફરી, ધ્રોલ એસટી ડેપોના કંડકટર સામે બનાવટી પાસ કાઢી આપવાની ફરિયાદ
Jamnagar News : ગત સપ્તાહે ધ્રોળ-મોરબી રૂટની એસટી બસમાં એક મુસાફર પાસેથી બનાવટી એસટી મુસાફરીનો પાસ મળી આવતાં એસ.ટી નિગમ દ્વારા આ પ્રકરણમાં ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવી હતી, જેમાં ધ્રોળ એસટી ડેપોની એક બસના કંડકટર દ્વારા ધ્રોળના ડેપોમાંથીજ બનાવટી પાસ કાઢી આપ્યો હોવાનું સામે આવ્યું હતું. જેથી ધ્રોળના એસ.ટી.ડેપો મેનેજર દ્વારા કંડકટર સામે ધ્રોળ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેના અનુસંધાને ધ્રોળ પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરાઈ છે.
આ ફરિયાદના બનાવની વિગત એવી છે કે ગત સપ્તાહે એસ.ટી. વિભાગની ફલાઇંગ સ્કવોર્ડની ચેકિંગની કામગીરી દરમિયાન મુસાફરી કરી રહેલા બેચરભાઈ રઘુભાઈ નામના મુસાફર પાસેથી ડુપ્લીકેટ મુસાફરીનો એક્સપ્રેસ પાસ મળી આવ્યો હતો. જે પાસ અંગે ખરાઈ કરતાં તે ડુપ્લીકેટ હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.
જેથી પાસને કબજે કરી લઇ મુસાફરની વિશેષ પૂછપરછ કરવામાં આવી હતી, તે માટે ઉપરોક્ત પાસ ધ્રોળ ડેપોમાં કંડકટર તરીકે ફરજ બજાવતા શૈલેષભાઈ ગોવિંદભાઈ સંઘાણીએ ડુપ્લિકેટ પાસ કાઢી આપ્યો હોવાનું અને 1800 રૂપિયા વસુલ્યાની કબુલાત આપી હતી.
જેથી એસટી વિભાગ દ્વારા સમગ્ર મામલામાં ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવી હતી. અને સૌ પ્રથમ ખાતાકીય તપાસના અંતે ધ્રોળના એસટી ડેપોના કોમ્પ્યુટરમાંથી જ આ બનાવટી પાસ તૈયાર થયો હોવાનું અને કંડક્ટરે જાતે જ કોમ્પ્યુટરની ફાઈલમાંથી પાસ ઇશ્યૂ કરીને ત્યારબાદ તે ફાઈલ ડીલીટ કરી નાખી 1800 રૂપિયાની રકમ બેચરભાઈ નામના વ્યક્તિ પાસેથી ઉઘરાવી લઈ વિશ્વાસઘાત કર્યો હોવાનું ફલિત થયું હતું.
તેથી સમગ્ર મામલો ધ્રોળ પોલીસ મથકમાં લઈ જવામાં આવ્યો હતો. એસટી ડેપોના મેનેજર રફિકભાઈ અમીનભાઈ શેખ દ્વારા એસટી ડેપોના કંડક્ટર શૈલેષ ગોવિંદભાઈ સંઘાણી સામે ફરિયાદ નોંધાવતાં ધ્રોલ પોલીસે આ મામલે બી.એન.એસ કલમ 316 (5), 316(2), 336(2), 338, 340(2), અને 238 મુજબ ગુનો નોંધી કંડકટરની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. તેમજ એસટી વિભાગ દ્વારા પણ કંડક્ટર સામે સસ્પેન્શનની કાર્યવાહી હાથ ધરી છે.