જામનગર શહેર અને જિલ્લામાં ઠંડીનો ચમકારો વધ્યો: ઠંડી-ગરમી સાથેનું મિશ્ર વાતાવરણ

Updated: Nov 6th, 2023


Google NewsGoogle News
જામનગર શહેર અને જિલ્લામાં ઠંડીનો ચમકારો વધ્યો: ઠંડી-ગરમી સાથેનું મિશ્ર વાતાવરણ 1 - image

image : Freepik

જામનગર,તા.06 નવેમ્બર 2023,સોમવાર

જામનગર શહેર અને જિલ્લામાં ઠંડીનો પ્રારંભ થઈ રહ્યો છે, અને ઠંડીનો પારો ધીમે ધીમે નીચે સરકતો જાય છે. વહેલી સવારે વાતાવરણમાં ઠંડક જ્યારે બપોરે ગરમી સહિતનું મિશ્ર વાતાવરણ જોવા મળી રહ્યું છે.

 જામનગર શહેર અને જિલ્લામાં ઠંડીનો પારો નીચે સરકીને 20.8 ડિગ્રી સુધી નીચે આવ્યો હોવાથી સવારના સમયે વાતાવરણમાં ઠંડક પ્રસરેલી જોવા મળે છે, અને શિયાળાની ઋતુ શરૂ થઈ રહી હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે. 

પરંતુ બપોર દરમિયાન ગરમીનો પારો 34.8 ડિગ્રી આસપાસ રહેતો હોવાથી સમગ્ર દિવસ દરમિયાન ઠંડી અને ગરમી સહિતનું મિશ્ર વાતાવરણ જોવા મળી રહ્યું છે. જોકે હાલ પવનની તીવ્રતામાં ઘટાડો થયો છે, જેથી પણ બપોર દરમિયાન ઉકળાટ ભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે, અને આગામી દિવસોમાં ઠંડીનો ચમકારો વધે તેવી શક્યતાઓ દર્શાવાઇ છે.

 જામનગર જિલ્લા કલેક્ટર કચેરીના કંટ્રોલરૂમના જણાવ્યા અનુસાર આજે સવારે 8.00 વાગ્યે પુરા થતા 24 કલાક દરમિયાન લઘુતમ તાપમાન 20.8 ડિગ્રી સેન્ટીગ્રેડ જયારે મહત્તમ તાપમાન 34.5 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 55 ટકા રહ્યું હતું, જ્યારે પવનની ગતિ સરેરાશ પ્રતિ કલાકના 15 કિ.મી.ની ઝડપે રહી હતી.


Google NewsGoogle News