જામનગરની અદાલતમાં ચેક રિટર્નનો મામલો: 'ઘાયલ' ફિલ્મના નિર્માતા રાજકુમાર સંતોષી ખુદ ઘાયલ
જામનગર,તા. 08 એપ્રિલ 2023,શનિવાર
'તારીખ પે તારીખ' જેવા ડાયલોગથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં અનોખી ફિલ્મોનું સર્જન કરનાર ફિલ્મ નિર્માતા રાજકુમાર પ્યારેલાલ સંતોષી આજે ચેક રીટર્ન અંગેના કેસમાં જામનગરની કોર્ટમાં હાજર રહ્યા હતા.
જામનગરના જાણીતા ઉદ્યોગપતિ અશોકલાલ પાસેથી ફિલ્મ નિર્માતા રાજકુમાર સંતોષીએ હાથ ઉછીના પૈસા લીધા હતા. જોકે ફિલ્મ નિર્માતાએ ઉદ્યોગપતિ અશોકલાલને 11 જેટલા ચેક આપ્યા હતા. પરંતુ તમામ ચેકો રિટર્ન થતાં આખરે ઉદ્યોગપતિએ કોટ સમક્ષ ધા નાખી હતી.
જે અનુસંધાને આજરોજ ફિલ્મ નિર્માતા રાજકુમાર સંતોષીનું સ્ટેટમેન્ટ લેવામાં આવ્યું છે, અને આગળની 17.04.2023ની મુદતની તારીખ કોર્ટે આપી છે. આગામી 17મી એપ્રિલે દલીલ બાદ અદાલત દ્વારા ચુકાદો સંભળાવાશે. જેના પર સૌને મિટ મંડાયેલી છે.
'તારીખ પે તારીખ' વાળા ડાયલોગ જેવી પ્રચલિત 'ઘાયલ' ફિલ્મના સર્જક રાજકુમાર સંતોષી કે જેઓ ચેક રીટર્ન કેસમાં ફસાયા છે, અને વારંવાર જામનગરની અદાલતમાં હાજર થવું પડ્યું છે, અને તેના કેસમાં પણ 'તારીખ પે તારીખ' પડી છે. પરંતુ હવે તેનો નિર્ણય અંતિમ તબક્કા તરફ જઇ રહ્યો હોય તેવું જણાઈ આવે છે, અને રાજકુમાર સંતોષી માટે ચુકાદો ઘાતક સાબિત થઈ શકે છે, તેમ મનાઈ રહ્યું છે.