જામનગરના ખંભાળિયા ગેઈટ વિસ્તારમાં બબાલ થતા નાસભાગઃ દુકાનો ટપોટપ બંધ
- બનાવના વિરોધમાં વેપારીઓએ પાળ્યો સજ્જડ બંધ
- ચા પીવા આવેલા બે યુવાનો ઉપર નામચીન શખ્સ સહિત બેએ હુમલો કરતા ભારે અફડાતફડીઃ સમગ્ર વિસ્તારમાં સજ્જડ પોલીસ બંદોબસ્ત
જામનગરમાં હવાઈ ચોક વિસ્તારમાં એક ચા ની હોટલ પાસે ચા પીવા આવેલા બે વ્યક્તિ ઉપર હવાઈ ચોક વિસ્તારમાં જ ચા ની હોટલ ધરાવતા નામચીન શખ્સ અને તેના સાગરીતે હંગામો મચાવી બંને યુવાનો પર ધોકા પાઇપ વડે હુમલો કરી દીધો હતો, જેથી ભારે નાશ ભાગ થઈ હતી, અને રાત્રિના સમયે દુકાનો ટપોટપ બંધ થઈ હતી. બંને ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર અપાયા પછી હોટલ સંચાલક સહિત બે સામે હુમલાની ફરિયાદ નોંધાવી છે. ઉપરાંત વારંવાર ની આવી ઘટનાને લઈને આજે હવાઈ ચોક- ખંભાળિયા ગેટ વિસ્તારની હોટલો સહિતનો તમામ વિસ્તાર સ્વયંભૂ બંધ રહ્યો છે, અને વેપારીઓએ સજ્જડ બંધ પાડયો છે.
આ બનાવની વિગતે એવી છે કે જામનગરમાં ખોજા નાકા બહારથી ટીટોડીવાડી વિસ્તારમાં રહેતા સબીર ઉર્ફે માઈકલ ઉમરભાઈ ખફી અને તેનો મિત્ર ઇમરાન કે જેઓ ગઈકાલે રાત્રે ૧૧.૩૦ વાગ્યે ખંભાળિયા ગેઇટ વિસ્તારમાં આવેલી એક ચા ની હોટલે ચા પાણી પીવા માટે આવ્યા હતા.
જે દરમિયાન તે જ વિસ્તારમાં ચા ની હોટલ ચલાવતા મિલન ભાનુશાલી અને તેના નાતીલા રાવણ નામના શખ્સે આવીને હંગામો મચાવ્યો હતો, અને તમારે લોકોએ અહીં આવવું નહીં, તેમ કહીને તકરાર કરી હતી, અને લોખંડના પાઇપ અને લાકડાના ધોકા વડે બંને પર હુમલો કરી દેતાં ભારે અફડા તફડી સર્જાઇ હતી, અને નાસભાગ થયા પછી તમામ દુકાનો ટપો ટપ બંધ થઈ ગઈ હતી.
આ ઘટનાની જાણ થતાં સીટી એ. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો, અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દીધો હતો. બંને ઇજાગ્રસ્તો ને પ્રાથમિક સારવાર અપાયા પછી તેઓએ સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં મિલન ભાનુશાલી અને તેના નાતીલા રાવણ નામના શખ્સ સામે હુમલા અંગેની ફરિયાદ નોંધાવી છે. દરમિયાન હવાઈ ચોક- ખંભાળિયા ગેટ વિસ્તારમાં છાશવારે બનતા આવા મારામારીના બનાવો વગેરેને લઈને વેપારીઓ ત્રાસી ગયા હતા, અને આજે સવારે ઉપરોક્ત વિસ્તારના તમામ વેપારીઓએ પોતાના વેપાર ધંધા બંધ રાખીને સજ્જડ બંધ પાડયો છે, અને વિરોધ પ્રદર્શન કર્યું છે. સમગ્ર મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.