ભારત-પાકિસ્તાન વચ્ચેની રોમાંચક ક્રિકેટ મેચમાં ભારતની ભવ્ય જીતનો જશ્ન જામનગરમાં પણ જોવા મળ્યો

Updated: Jun 10th, 2024


Google NewsGoogle News
ભારત-પાકિસ્તાન વચ્ચેની રોમાંચક ક્રિકેટ મેચમાં ભારતની ભવ્ય જીતનો જશ્ન જામનગરમાં પણ જોવા મળ્યો 1 - image


IND VS PAK T20 World Cup : યુએસએમાં રમાઈ રહેલી ટ્વેન્ટી-20 વર્લ્ડ કપ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ગઈકાલે ભારત અને પાકિસ્તાન વચ્ચે રોમાંચક ક્રિકેટ મેચ યોજાઈ હતી, જેમાં ભારતને શાનદાર જીત મળી હતી, અને જામનગર શહેરમાં પણ મોડી રાત્રે ક્રિકેટ પ્રેમીઓએ જીતનો જશ્ન મનાવ્યો હતો. અને શહેરના કેટલાક વિસ્તારોમાં આતશબાજી પણ કરાઈ હતી.

 ભારત-પાકિસ્તાન વચ્ચેની ટ્વેન્ટી-20 ક્રિકેટ મેચ હકીકતમાં દિલ ધડક રહી હતી, વરસાદી વિધ્નને કારણે મેચમાં વિલંબ થયો હતો, અને ભારત 19 ઓવરમાં માત્ર 119 રન બનાવીને ઓલ આઉટ થઈ હતી. તેના જવાબમાં ભારતીય ફાસ્ટ બોલરોએ પાકિસ્તાની બેસ્ટમેનોની કમર ભાંગી નાખી હતી. શરૂઆતની પ્રથમ 10 ઓવરમાં પાકિસ્તાની બેસ્ટમેનોએ સારી રમત બતાવી હતી, પરંતુ ત્યારબાદ ભારતીય બોલર જશપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા વગેરેએ તરખાટ મચાવ્યો હતો, અને પાકિસ્તાનની ટીમને ખૂબ જ અંકુશમાં રાખી હતી, અને માત્ર 113 રન બનાવી શકી હતી, અને ભારતીય ટીમનો ભવ્ય વિજય થયો હતો.

ભારત-પાકિસ્તાન વચ્ચેની રોમાંચક ક્રિકેટ મેચમાં ભારતની ભવ્ય જીતનો જશ્ન જામનગરમાં પણ જોવા મળ્યો 2 - image

 ભારતીય સમય પ્રમાણે રાત્રિના એકાદ વાગ્યા બાદ મેચની પૂર્ણાહુતિ પછી ભારતીય ટીમની વિજયનો જામનગરમાં પણ મોડી રાત્રે જશ્ન જોવા મળ્યો હતો. ખાસ કરીને શહેરના હવાઈ ચોક વિસ્તારમાં અનેક ક્રિકેટ પ્રેમીઓ ઉત્સાહ ભેર એકત્ર થયા હતા, અને તિરંગા ઝંડા સાથે આવી પહોંચી 'ભારત માતાકી જય'ના નારાઓ લગાવ્યા હતા, એટલું જ માત્ર નહીં, પરંતુ ભવ્ય આતશબાજી પણ કરવામાં આવી હતી.

 ઉપરાંત જામનગર શહેરના દિગ્વિજય પ્લોટ, રણજીત નગર, પટેલ કોલોની, ચાંદી બજાર સહિતના અન્ય વિસ્તારોમાં પણ ક્રિકેટ પ્રેમીઓ મોડી રાત્રે બહાર નીકળી આવ્યા હતા, અને ક્યાંક આતશબાજી જોવા મળી હતી. તો કયાંક ભારત માતાકી જય ના નારા લગાવતા જોવા મળ્યા હતા.


Google NewsGoogle News