જામનગર નજીક ચેલા ગામ પાસે શ્રમિકો ભરેલી ખાનગી લક્ઝરી બસને પલટી મરાવનાર બસ ચાલક સામે ગુનો નોંધાયો
જામનગર,તા.29 જાન્યુઆરી 2024,સોમવાર
જામનગર નજીક ચેલા ગામ પાસે ગઈકાલે સાંજે શ્રમિકો ભરેલી એક ખાનગી લક્ઝરી બસ રોડ થી નીચે ઉતરીને પલટી મારી ગઈ હતી, અને દસથી વધુ શ્રમિકો ઇજાગ્રસ્ત બન્યા હતા. જે બસના ચાલક સામે પોલીસે બેદરકારી પૂર્વક બસ ચલાવવા અંગે ગુનો નોંધ્યો છે.
જામનગર નજીક ચેલા ગામના પાટીયા પાસે ગઈકાલે મોડી સાંજે ઝારખંડ- રાજસ્થાનથી આવેલા શ્રમિકો ભરેલી જી.જે. 01 -ડી.એક્સ. 2192 નંબરની ખાનગી લક્ઝરી બસ પલટી મારી ગઈ હતી, જેમાં 10 થી વધુ શ્રમિક ઘાયલ થયા હતા, અને જી.જી. હોસ્પિટલમાં સારવાર અપાઇ હતી.
આ અકસ્માતના બનાવ પછી પંચકોસી બી. ડિવિઝન નાએ.એસ.આઇ.પી.બી. ગોજીયા અને તેમની ટીમ બનાવના સ્થળે તેમજ જી.જી.હોસ્પિટલે દોડી ગયા હતા, અને આ અકસ્માત સર્જનાર બસના ચાલક અનિલભાઈ સામે ગુનો નોંધ્યો છે.
જે બનાવ અંગે મૂળ રાજસ્થાનના વતની કિશન મોડાજી મેઘવારે પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં વરૂડી ટ્રાવેલ્સના બસ ચાલક અનિલભાઈ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે બસ ચાલક સામે જુદી જુદી કલમો હેઠળ ગુનો નોધ્યો છે, પરંતુ હાલ તે ભાગી છૂટ્યો હોવાથી તેની શોધખોળ ચલાવાઇ રહી છે.