જામનગરમાં ડોર ટૂ ડોર ગાર્બેઝ કલેક્શનના સફાઈ કામદારોની લડતનો મામલો પોલીસ મથકમાં પહોંચ્યો

Updated: Jan 31st, 2024


Google NewsGoogle News
જામનગરમાં ડોર ટૂ ડોર ગાર્બેઝ કલેક્શનના સફાઈ કામદારોની લડતનો મામલો પોલીસ મથકમાં પહોંચ્યો 1 - image


- સફાઈ કામદારોને ખાનગી કંપનીના મેનેજરે ધાક ધમકી આપી હડધુત કરાયાની ફરિયાદ પોલીસમાં નોંધાવાતાં ચકચાર

જામનગર,તા.31 જાન્યુઆરી 2024,બુધવાર

જામનગર મહાનગરપાલિકા હસ્તક પાવર લાઈન સેલ્સ એન્ડ સર્વિસ કંપની હેઠળના સફાઈ કામદારો કે જેઓના પ્રશ્નોનો ઉકેલ નથી આવ્યો, તેવા ડોર ટુ ડોર ગારબેજ કલેક્શન સહિતના સફાઈ કામદારો દ્વારા અખીલ ભારતીય સફાઈ મજદૂર કોંગ્રેસ યુનિયનના નેજા હેઠળ પોતાના પ્રશ્નોને વાચા આપવા બાબતે લાલ બંગલા સર્કલમાં ધરણા કરવામાં આવ્યા છે, દરમિયાન સફાઈ કામદારોને ખાનગી કંપનીના મેનેજર દ્વારા હડધુત કરાયાની ફરિયાદ પોલીસમાં નોંધાવાતાં પોલીસે એસ્ટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે.

 જામનગર મહાનગરપાલિકાના તાબા હેઠળ ચાલતી પાવર લાઈન કંપનીમાં ફરજ બજાવતા ગારબેજ કલેક્શનના સફાઈ કામદારો કે જેના પ્રાણ પ્રશ્નોનો અનેક વખતની રજુઆત બાદ પણ ઉકેલ આવ્યો નથી. તેવા અંદાજે 140 જેટલા કામદારો ત્રીજી જાન્યુઆરીથી તેઓની ફરજથી અળગા રહીને ગાંધી ચીંધ્યા માર્ગે ન્યાયિક અપેક્ષા થી હડતાલ ઉપર છે. જે કામદારો માટેનું કંપની દ્વારા કોઈ નિરાકરણ લાવવામાં આવ્યું ન હોવાથી પોતાની માંગણીઓ ના સંદર્ભમાં ત્રણ દિવસથી તમામ સફાઈ કામદારો દ્વારા અખિલ ભારતીય સફાઈ મજદૂર કોંગ્રેસના નેજા હેઠળ લાલ બંગલા સર્કલમાં ઘરણાં યોજવામાં આવ્યા છે.

 દરમિયાન સફાઈ કામદાર નારણભાઈ દેવજીભાઈ (ઉં.વ. 53) ખાનગી કંપનીમાં ગારબેજ કલેક્શનના વાહનમાં ડ્રાઇવર તરીકે નોકરી કરે છે, તે તથા અન્ય કામદારો હાપા નજીક આવેલા ખાનગી કંપનીના વાહનો પાર્ક કરવાના એરિયામાં પહોંચ્યા હતા, જ્યાં પાવર લાઈન સેલ્સ એન્ડ સર્વિસ કંપનીના મેનેજર રમેશભાઈ રાણાભાઇ જલુ કે જેઓએ તમામ સફાઈ કામદારોને ગાળો ભાંડી હતી, અને ધાકધમકી ઉચ્ચારી તેઓ અનુસૂચિત જ્ઞાતિના હોવાથી સમાજમાં હલકા પાડવા માટે હડધુત કર્યા હતા.

 જેથી સમગ્ર મામલો પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને સફાઈ કામદાર નારણભાઈ જોડ ફરીયાદી બન્યા હતા, અને તેઓએ ખાનગી કંપનીના મેનેજર રમેશભાઈ રાણાભાઇ જલુ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે આઈપીસી કલમ 504, 394(ખ) તેમજ એસ્ટ્રોસિટી એક્ટ ની જુદી જુદી કલમો મુજબ ગુનો નોંધ્યો છે, જેથી આ પ્રકરણમાં નવો વણાંક આવ્યો છે.


Google NewsGoogle News