જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ઠેબા ચોકડી નજીક કારનું ટાયર ફાટતાં અકસ્માત

Updated: Nov 2nd, 2023


Google NewsGoogle News
જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ઠેબા ચોકડી નજીક કારનું ટાયર ફાટતાં અકસ્માત 1 - image


- કારની હડફેટે ચડી ગયેલા અજાણ્યા ભીક્ષુકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત 

- પુરઝડપે જતી કારનું ટાયર ફાટતાં રોડ પરથી પલટી ખાઇને નીચે ખેતરમાં ખાબકી: ડ્રાઇવર સહિત બે ને સામાન્ય ઇજા

જામનગર,તા.02 નવેમ્બર 2023,ગુરૂવાર

જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ઠેબા ચોકડી નજીક ગઇકાલે બપોરે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કનસુમરાથી ખીજડીયા બાયપાસ બાજુ જઇ રહેલી એક કારનું ટાયર ફાટતાં કાર માર્ગ પર જઇ રહેલા અજાણ્યા ભીક્ષુકને અડફેટે લેતાં તેમનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજયું હતું. 

આ બનાવની વિગત એવી છે કે, જામનગર શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા વિવેક રણછોડભાઇ કવાડ નામના 21 વર્ષીય વિદ્યાર્થી અને ગૌરવભાઇ સુનીલભાઇ કણસાગરા ગઇકાલે બપોરના 12.30 વાગ્યાના અરસામાં ઇનોવા ગાડી રજી નં.જીજે-10-સીએલ-5036 લઇને તેમની કનસુમરા પાટીયા પાસે આવેલી સાઇડ પરથી ખીજડીયા બાયપાસ બાજુ જઇ રહયા હતા ત્યારે ઠેબા ચોકડીથી આગળ પહોંચતા કારનું ડ્રાઇવર સાઇડનું પાછળનું ટાયર અચાનક ફાટવાથી ડ્રાઇવર ગૌરવભાઇએ બ્રેક મારતાં માર્ગ પર જઇ રહેલા અજાણ્યા ભીક્ષુકને અડફેટે લેતાં તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજયું હતું. જયારે ગાડી પલટી ખાઇને નીચે ખેતરના શેઢા પર ઉંધી વળી ગઇ હતી. અને કારમાં સવાર ગૌરવભાઇ કણસાગરા અને વિવેક કવાડને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. 

આ અકસ્માત અંગે કાર ચાલક ગૌરવ કણસાગરા વિરૂદ્ધ વિવેક કવાડે પંચકોશી બી. ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News