Get The App

જામનગરના બેડી વિસ્તારમાં સરકારી જમીન ઉપર દબાણ કરીને સાયચા બંધુઓ દ્વારા ખડકી દેવાયેલા બંગલા પર બુલડોઝર ફેરવાયું

Updated: Mar 8th, 2024


Google NewsGoogle News
જામનગરના બેડી વિસ્તારમાં સરકારી જમીન ઉપર દબાણ કરીને સાયચા બંધુઓ દ્વારા ખડકી દેવાયેલા બંગલા પર બુલડોઝર ફેરવાયું 1 - image


- જિલ્લા પોલીસવડાની હાજરીમાં વિશાળ પોલીસ કાફલાએ ઉપસ્થિત રહી સુરક્ષા વ્યવસ્થા પૂરી પાડી: જામ્યુંકોની દબાણ શાખા દ્વારા કાર્યવાહી

જામનગર,તા.08 માર્ચ 2024,શુક્રવાર

જામનગર શહેરના બેડી વિસ્તારમાં આજે શિવરાત્રીના દિવસે પણ પોલીસ તંત્રએ બેડી વિસ્તારમાં મેગા ડીમોલેશન ઓપરેશન પાર પાડ્યું હતું, અને જીલ્લા પોલીસવડા સહિતના વિશાળ પોલીસ સ્ટાફે સુરક્ષા વ્યવસ્થા પૂરી પાડી હતી, અને સાયચા બંધુઓ દ્વારા ખડકી દેવામાં આવેલા ગેરકાયદે બંગલાઓને તોડી પાડવા માટેની ઝુંબેશ પુન: શરૂ કરાઈ હતી, અને બે બંગલાંઓમાં ડિમોલેસન હાથ ધર્યું છે. જેથી બેડી વિસ્તારમાં ભારે હલચલ મચી ગઈ હતી.

 જામનગરના કુખ્યાત સાયચા બંધુઓ કે જેઓ દ્વારા બેડી વિસ્તારમાં આવેલી સરકારી ખરાબાની જગ્યામાં એકથી વધુ બંગલાઓ બાંધી લઇ ગેરકાયદે દબાણ કર્યું હોવાથી પોલીસ તંત્ર દ્વારા જુદી જુદી લેન્ડ ગ્રેબિંગ અંગેની ફરિયાદ દાખલ કરી હતી.

જામનગરના બેડી વિસ્તારમાં સરકારી જમીન ઉપર દબાણ કરીને સાયચા બંધુઓ દ્વારા ખડકી દેવાયેલા બંગલા પર બુલડોઝર ફેરવાયું 2 - image

 સાયચા બંધુઓ હાલ જેલવાસ ભોગવી રહ્યા છે ત્યારે જામનગરના એસ.પી. પ્રેમસુખ ડેલુની આગેવાની હેઠળ વહેલી સવારથી જ આજે ડિમોલેશન કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં શહેર વિભાગના મામલતદારની ટુકડી તેમજ જામનગરમાં નગરપાલિકાની ટીમ વગેરે બેડી વિસ્તારમાં સ્થળ પર હાજર રહ્યા હતા, અને અગાઉ જે બંગલો તોડી પાડવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી હતી, અને તેના પર સાયચા બંધુઓ દ્વારા હાઇકોર્ટ માંથી હંગામી સ્ટે મેળવાયો હતો.

 પરંતુ તે સ્ટે ઉઠી ગયો હોવાથી આજે સવારથી પુન: ડિમલેશનનું કામ હાથ ધરવામાં આવ્યું છે. જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ, શહેર વિભાગના ડીવાયએસપી જયેન્દ્રસિંહ ઝાલા, સીટી બી. ડિવિઝનના પી.આઇ. એચ.પી.ઝાલા તેમજ અનેક પીએસઆઇ, પોલીસ હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલ સહિતનો વિશાળ પોલીસ કાફલો બેડી વિસ્તારમાં ગોઠવાઈ ગયો હતો, અને સજ્જડ પોલીસની હાજરીમાં ડિમોલેશન કાર્ય પૂન: શરૂ કરી દેવાયું છે, જેને લઈને સાયચા પરિવારમાં ભારે ફફડાટ મચી ગયો છે.

 હાલ જુદા જુદા બે બંગલાઓ અંગે લેન્ડ ગ્રેબિંગ અંગેની ફરિયાદ દાખલ કરાઈ છે, જેના અનુસંધાને અલગ અલગ બે બંગલાઓ તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સરકારી જગ્યામાં હજુ પણ કેટલુંક દબાણ થયેલું હોવાનું જાણવા મળી રહયું છે, અને શહેર વિભાગના મામલતદારની ટિમ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં સરકારી જમીન ઉપર હજુ જે કોઈ દબાણ જોવા મળશે, તે અંગે પોલીસ ફરિયાદ નોંધવા અને જગ્યા ખુલ્લી કરાવવા માટે ડીમોલિશન સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.



Google NewsGoogle News