જામનગર મહાનગરપાલિકાના સીટી ઇજનેરને ધમકી આપી ખંડણી માંગવાના પ્રકરણમાં બ્રહ્મ સમાજ ક્રોધિત
જામનગર મહાનગર પાલિકાના સીટી ઇજનેર ભાવેશ જાનીને ધમકી આપી દર મહિને રૂપિયા એક કરોડની ખંડણી માંગવા અંગેના પ્રકરણમાં પૂર્વ કોંગી કોર્પોરેટર દીપુ પારીયા સામે સમસ્ત બ્રહ્મ સમાજ ક્રોધિત થયો છે, અને વિવિધ સંગઠનો દ્વારા આરોપી સામે કડક કાર્યવાહી કરવાની માંગણી સાથે મ્યુનિ. કમિશનર તેમજ જિલ્લા પોલીસવડાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.
સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજના અગ્રણી નરેન્દ્ર ભાઈ ત્રિવેદી, સમસ્ત બ્રહ્મ સમાજ ના પ્રમુખ પ્રફુલભાઈ વાસુ, મંત્રી અને કોર્પોરેટર આશિષ જોષી, અન્ય કોર્પોરેટરો સુભાષ જોશી, ડિમ્પલબેન રાવલ, તૃપ્તિબેન ખેતીયા, મહાદેવ હર મિત્ર મંડળના પ્રમુખ રાજુભાઈ વ્યાસ (મહાદેવ), સુનિલભાઈ ખેતિયા, જગતભાઈ રાવલ તથા અન્ય બ્રહ્મ સમાજના વિવિધ ઘટકોના અગ્રણીઓ વગેરે મોટી સંખ્યામાં કમિશનર કચેરીએ પહોંચી જઈ સૌપ્રથમ કમિશનર ડી.એન. મોદીને આવેદનપત્ર આપ્યું હતું.
ત્યારબાદ તમામ અગ્રણીઓ જિલ્લા પોલીસવડા ની કચેરીએ પહોંચ્યા હતા જ્યાં એસ.પી. પ્રેમસુખ ડેલુને પણ વિસ્તૃત આવેદનપત્ર આપી આરોપી સામે સખ્ત પગલાં ભરવા માંગણી કરી છે. જેમાં બ્રહ્મ સમાજના મહિલા પાંખના હોદ્દેદારો વગેરે પણ જોડાયા હતા.