જામનગર જિલ્લામાં ભારે વરસાદના પગલે મહાનગરપાલિકા દ્વારા આયોજિત બન્ને શ્રાવણી મેળાઓ ૩ દિવસ માટે રદ કરાયા
Jamnagar Heavy rain: જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રદર્શન મેદાન તેમજ રંગમતી નદીના પટમાં શ્રાવણી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, અને હાલ પ્રદર્શન મેદાનમાં શ્રાવણી મેળો ચાલુ થઈ ગયો છે, તેમજ રંગમતી નદીના પટમાં મેળો ચાલુ થવાની તૈયારીમાં હતો, પરંતુ ભારે વરસાદના કારણે બંને મેળા ૩ દિવસ માટે રદ કરી દેવાયા છે.
જામનગર મહાનગરપાલિકા દ્વારા ગઈકાલે સાંજે સૌ પ્રથમ પ્રદર્શન મેદાનના મેળામાં ચાલુ વરસાદે માઈક પરથી આ પ્રકારે ની જાહેરાત કરવામાં આવી હતી, અને જન્માષ્ટમીના દિવસે ૨૬મી તારીખે અને ૨૭મી તેમજ ૨૮ ઓગસ્ટ એમ ૩ દિવસ માટે ભારે વરસાદની આગાહીના પગલે મેળાનું આયોજન રદ કરવામાં આવ્યું છે. અને તાત્કાલિક મેળા મેદાનને ખાલી કરાવાયું હતું.
સાથો સાથ તમામ મશીન મનોરંજનની રાઈડ, ખાણીપીણીના સ્ટોલ વગેરેને બંધ કરાવી દેવામાં આવ્યા હતા. એસ્ટેટ શાખાની ટીમ, સિક્યુરિટી વિભાગ વગેરે વરસતા વરસાદે મેળા ના સ્ટોલ વગેરે ને બંધ કરાવવાની કાર્યવાહીમાં જોડાયા હતા. અને સલામતીના ભાગરૂપે મેળા મેદાનને ખાલી કરાવી દેવાયું હતું. જોઇન્ટ વ્હીલ નામની રાઈડ ના ખાના પણ ભારે પવન ના કારણે ઉતરાવી લેવાયા હતા.