જામનગર નજીક બેડની નદીમાં બાઈક સાથે તણાયેલા યુવાનનો આજે સવારે મૃતદેહ સાંપડ્યો : ફાયરે બહાર કાઢ્યો

Updated: Sep 7th, 2024


Google NewsGoogle News
જામનગર નજીક બેડની નદીમાં બાઈક સાથે તણાયેલા યુવાનનો આજે સવારે મૃતદેહ સાંપડ્યો : ફાયરે બહાર કાઢ્યો 1 - image


Jamnagar Suicide Case : જામનગર નજીક બેડની નદીમાં ગઈકાલે એક યુવાન બપોરના સમયે પોતાના બાઈક સાથે તણાયો હતો, જે અંગેની જાણકારી મળતાં પોલીસે ફાયરની મદદથી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં ગઈકાલે બાઈક મળી આવ્યું હતું, ત્યારબાદ આજે સવારે યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. તેની ઓળખ થઈ છે અને તે તિરુપતિ સોસાયટીમાં રહેતો હોવાનું અને પોતાના ઘેરથી ઝઘડો કરીને બેડની નદીમાં ઝંપલાવી દીધાનું જાણવા મળ્યું છે. દારૂ અને જુગારની ટેવના કારણે પિતાએ ઠપકો આપતાં ઘર છોડીને આપઘાત કરી લીધાનું સામે આવ્યું છે.

જામનગર નજીક બેડની નદીના પાણીના પ્રવાહમાં એક યુવાન બાઇકની સાથે તણાયો હતો. ગઈકાલે બપોરે બાર વાગ્યાના અરસામાં આ બનાવ બન્યો હોવાનું ત્યાંથી પસાર થતા કોઈ વ્યક્તિએ પોલીસને જણાવ્યું હતું.

જેથી સિક્કાના પોલીસ હેડ કોન્સ્ટેબલ સી.ડી. ગાંભવા અને કરણસિંહ જાડેજાએ જામનગર મહાનગરપાલિકાની ફાયર શાખાનો સંપર્ક સાધ્યો હતો, અને ફાયર બ્રિગેડની ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. દરમિયાન નદીમાંથી બાઈક મળી આવ્યું હતું. જેને બહાર કાઢીને પોલીસને સુપ્રત કર્યું હતું, પરંતુ યુવાનનો  કોઈ પત્તો લાગ્યો ન હોવાથી તેની શોધખોળ ચલાવવામાં આવી હતી,

આ દરમિયાન આજે સવારે યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો અને તેની ઓળખ થઈ છે. જેનું નામ મિલન હેમંતભાઈ રાવત (ઉંમર વર્ષ 22) અને તે જામનગરમાં તિરુપતિ સોસાયટી વિસ્તારમાં રહેતો હોવાનું જાણવા મળ્યું છે. મૃતકના મોટા ભાઈએ મૃતદેહને ઓળખી બતાવ્યો હતો. 

પોલીસની વધુ પૂછપરછમાં  મૃતક કે જે પોતે દારૂ અને જુગાર રમવાની ટેવવાળો હોવાથી તેના પિતાએ ઠપકો આપ્યો હતો, જેથી માઠું લાગી આવતાં બેડની નદી પાસે આવ્યો હતો, અને બાઈક સાથે ઝંપલાવી દઇ આત્મહત્યા કરી લીધી હોવાનું સામે આવ્યું છે.


Google NewsGoogle News