જામનગરમાં દાવતે ઇસ્લામી-ઇંડિયા સંસ્થાના મદરેસાઓમાં લેવાતી બોર્ડ જેવી પરીક્ષા
જામિઅતુલ મદીના (આલીમ કોર્ષ)ના વિદ્યાર્થીઓની વાર્ષિક પરીક્ષાનો પ્રારંભ
જામનગર સહિત દેશભરમાં ૨૭૫ સેન્ટર પર ૨૦ હજારથી વધુ વિદ્યાર્થીઓ આપી રહ્યા છે પરીક્ષા
જામનગર, તા. 16 ફેબ્રુઆરી 2024 શુક્રવાર
વધતા જતાં શિક્ષણના વ્યાપ વચ્ચે મુસ્લિમ સંસ્થાઓમાં પણ જાગૃતતા આવી છે, અને હવે મદરેસાઓમાં પણ બોર્ડ જેવી પરીક્ષા પઘ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે.
દાવતે ઇસ્લામી ઇંડિયા સંસ્થા દ્વારા છેલ્લા કેટલાક સમયથી જામનગર સહિત સમગ્ર દેશમાં જામિઅતુલ મદીના મદરેસાઓમાં આધુનિક શિક્ષણ સાથે ધાર્મિક શિક્ષણ પણ આપવામાં આવી રહ્યું છે. અને આ મદરેસાઓમાં આલીમ કોર્ષના વિદ્યાર્થીઓની વાર્ષિક પરીક્ષાનો ગઇકાલથી પ્રારંભ થયો છે.
જામનગર શહેરના રબ્બાની પાર્ક સ્થિત જામિઅતુલ મદીના ફૈજાને મહેબુબશાહનો ૫૦ વિદ્યાર્થીઓ સહિત દેશભરમાં ૨૭૫ સ્થળોએ ૨૦,૪૮૫ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. બોર્ડની પરીક્ષાની જેમ આ પરીક્ષા મથકો પર પરીક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
આ અંગે જામિઅતુલ મદીનાના પરીક્ષા વિભાગના પ્રમુખ મૌલાના શાને ઇલાહી મદનીએ વધુ વિગતો આપતા જણાવેલ કે,આ વાર્ષિક પરીક્ષાનું સમગ્ર સંચાલન રાષ્ટ્રીય સ્તરેથીકરવામાં આવે છે અને તમામ વિદ્યાર્થીઓએ એડમીટ કાર્ડ પણ આપવામાં આવે છે, તેમજ તમામ પરીક્ષા સ્થળોએ નિરીક્ષકોની ઉપસ્થિતિમાં પરીક્ષા લેવામાં આવે છે. પરીક્ષા પૂર્ણ થયે દેશના અલગ-અલગ ૨૯ સ્થળોએ ૧૭૯ અનુભવી શિક્ષકો દ્વારા ૯૦ હજાર ઉત્તરવહિનું મૂલ્યાંકન કરી જામિઅતુલ મદીનાની વેબસાઇટ પર પરિણામ જાહેર કરવામાં આવશે. પરિણામની અસંતુષ્ટ વિદ્યાર્થીઓ પેપર ફરીથી ખોલાવી શકશે તેમજ એક-બે વિષયમાં નાપાસ થનાર વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા પણ આપી શકશે.