Get The App

જામનગર શહેરની બન્ને બેઠકો પર ભાજપનો નવોદાવ: જૂના જોગીઓના સ્થાને મુક્યા નવા ચહેરા

Updated: Nov 10th, 2022


Google NewsGoogle News
જામનગર શહેરની બન્ને બેઠકો પર ભાજપનો નવોદાવ: જૂના જોગીઓના સ્થાને મુક્યા નવા ચહેરા 1 - image


- જામનગર (ઉત્તર) બેઠક પર રિવાબા જાડેજા અને જામનગર (દક્ષિણ) માટે કોર્પોરેટર દિવ્યેશઅકબરીની પસંદગી

- જામનગર (ગ્રામ્ય) બેઠક પર કૃષિમંત્રી રાઘવજી પટેલને ફરી તક અપાઈ

- ગત ચૂટણીના પરાજીત જામજોધપુરમાં ચીમનભાઈ શાપરીયા અને કાલાવડમાં મેઘજીભાઈ ચાવડા ફરી તક

જામનગર તા. 10 નવેમ્બર 2022,ગુરૂવાર

જામનગર શહેરની વિધાનસભાની બન્ને બેઠકો પરથી  ભાજપે જુના જોગીઓને નિવૃત્તિ આપી દીધી છે, અને તેના સ્થાને નવા યુવા ચહેરાઓને સ્થાન આપ્યું છે. ભાજપ દ્વારા કરાયેલી  સત્તાવાર જાહેરાત મુજબ જામનગર (ઉત્તર)ની બેઠક પરથી ક્રિકેટર રવિન્દ્ર જાડેજા ના પત્ની રિવાબા જાડેજા અને જામનગર (દક્ષિણ) ની બેઠક કોર્પોરેટર દિવ્યેશ અકબરી લડશે.

ગુજરાત વિધાનસભાની ૧૮૨ બેઠકો પૈકી ભાજપ દ્વારા આજે ૧૬૦ ઉમેદવારોની પસંદગી  જાહેર કરવામાં આવી છે. જેમાં જામનગર (ઉત્તર) બેઠક પરથી પૂર્વ મંત્રી અને વર્તમાન ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજાના સ્થાને ભારતીય ટીમના ઓલરાઉન્ડર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજાને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. 

જયારે આ વખતની ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરનારા પૂર્વ મંત્રી અને જામનગર (દક્ષિણ)ના ધારાસભ્ય આર.સી. ફળદુના સ્થાને કોર્પોરેટર દિવ્યેશ અકબરી ભાજપના ઉમેદવાર તરીકે ફોર્મ ભરશે. 

એક મહત્વની બાબત જામનગર જિલ્લામાં એ નોંધાઈ છે કે, જામનગર (ગ્રામ્ય)ની બેઠક પર કેબીનેટ મંત્રી રાઘવજી પટેલને પુન: ટીકીટ આપવામાં આવી છે. 

આ ઉપરાંત કાલાવડ (અનામત) અને જામજોધપુરની બેઠક પર વિધાનસભાની ૨૦૧૭ ની ચૂંટણીમાં પરાજીત થયેલા બન્ને ઉમેદવારો અનુક્રમે મેઘજીભાઈ ચાવડા અને ચીમનભાઈ શાપરીયાને ફરીથી આ વખતે ભાજપે ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. 

દેવભૂમિ દ્વારકા જિલ્લાની  દ્વારકા- કલ્યાણપુર બેઠક પર વર્તમાન ધારાસભ્ય પબુભા માણેકને વધુ એક વખત ભાજપે પસંદ કર્યા છે. નોંધનીય છે કે પબુભા આ બેઠક પર અપક્ષ, કોંગ્રેસ તેમજ ભાજપના ઉમેદવાર તરીકે સતત સાત ટર્મથી વિજેતા બની  રહ્યા છે. જેને વધુ એક તક આ ચૂંટણીમાં ભાજપે આપી છે. ખંભાળિયા ની બેઠક માટે ભાજપના ઉમેદવાર ના નામની જાહેરાત હજુ બાકી રખાઈ છે.


Google NewsGoogle News