જોડીયા તાલુકાના મોરાણા ગામના બાઈક ચાલક પ્રૌઢનું ઇકો કારની ઠોકરે કરુણ મૃત્યુ
- લગ્નનું કામ પતાવીને બાઈક પર પોતાના ઘેર પરત ફરી રહેલા આઘેડને મોરાણા ગામ પાસે ઇકો કારે હડફેટમાં લઇ કચડી નાખ્યા
જામનગર,તા.28 ડિસેમ્બર 2023,ગુરૂવાર
જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના મોરાણા ગામમાં રહેતા 58 વર્ષના બાઈક સવાર આધેડને ઇકો કારના ચાલકે ઠોકરે ચડાવતાં ગંભીર ઇજા થયા પછી કરુણ મૃત્યુ નીપજ્યું છે. પોતાના સંબંધીને ત્યાં લગ્નનું કામ પતાવીને પરત ફરતી વેળાએ પીઠડ પાસે ઇકો કારના ચાલકે બાઈકને ઠોકારે ચડાવી કચડી નાખ્યા હતા, અને કરુણ મૃત્યુ નિપજ્યું છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જોડિયા તાલુકાના મોરાણા ગામમાં રહેતા રાયધનભાઈ ભગવાન બસિયા (ઉ.વ.58) ગઈકાલે પોતાના સંબંધીને ત્યાં લગ્નના કામ અર્થે ગજડી ગામે ગયા હતા, અને ત્યાંથી પોતાના બાઈક પર પરત ફરી રહ્યા હતા, જે દરમિયાન પીઠડ ગામના પાટીયા પાસે શીતળા માતાજીના મંદિર નજીક પુર ઝડપે આવી રહેલી જીજે જી.જે.36 એ.સી. 5500 નંબરની ઇકો કારના ચાલક પીઠડ ગામના નરેશભાઈ ગોવિંદભાઈ પઢીયારે બાઈકને ઠોકરે ચડાવતાં ગોજારો અકસ્માત સર્જાયો હતો.
જે અકસ્માતમાં બાઈક ચાલક રાધનભાઈ ગંભીર સ્વરૂપે ઘાયલ થયા હતા, અને તેઓને 108 એમ્બ્યુલન્સ મારફતે ધ્રોળની સરકારી હોસ્પિટલે લઈ જવાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેઓનું મૃત્યુ નિપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.
આ બનાવ અંગે મૃતકના પુત્ર ગીરીશ રાયધનભાઈએ પોતાના પિતાના બાઈકને ઠોકરે ચડાવી મૃત્યુ નિપજાવનાર ઇકો કારના ચાલક નરેશ ગોવિંદભાઈ પઢીયાર સામે જોડીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.