જામનગરમાં શાકમાર્કેટ વિસ્તારમાં સમસ્ત ભોઈ સમાજ દ્વારા આયોજિત સૌથી મોટા હોલિકાના દહનનો કાર્યક્રમ યોજાયો
- જામનગર જિલ્લાના સાંસદ-ધારાસભ્ય-મેયર સહિતના અનેક મહાનુભાવો અને હજારોની જન્મેદની ઉંમટી પડી
જામનગર,તા.26 માર્ચ 2024,મંગળવાર
જામનગરમાં શાકમાર્કેટ વિસ્તારમાં સમસ્ત ભોઈ સમાજ દ્વારા છેલ્લા 68 વર્ષથી હોલિકા મહોત્સવનો કાર્યક્રમ યોજાય છે જે પરંપરા આ વર્ષે પણ જળવાઈ રહી હતી, અને જામનગર શહેર જિલ્લાના અનેક મહાનુભાવો અને હજારોની જન્મેદનીની વચ્ચે સૌથી મોટી હોળીનો મહોત્સવ ઉજવાયો હતો.
સમસ્ત ભોઈ સમાજ દ્વારા ત્રણથી ચાર ટન વજન અને 25 ફૂટ થી પણ મોટી હોલિકાનું પૂતળું બનાવ્યું હતું, અને તેને વાજતે ગાજતે પ્રોસેસન રૂપે શાકમાર્કેટ વિસ્તારમાં લઈ ગયા પછી ત્યાં સ્થાપિત કરીને રવિવારે રાત્રે હોલિકા દહનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ વેળાએ હજારોની સંખ્યામાં જન્મમેદની ઉમટી પડી હતી.
જામનગર જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, મેયર વિનોદ ખીમસુરિયા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશ કગથરા, શહેર ભાજપના અધ્યક્ષ ડો. વિમલ કગથરા, ઉપરાંત જામનગર શહેરના અનેક મહાનુભાવો, તેમજ જામનગરના સમસ્ત ભોઈ સમાજના અગ્રણીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. તેઓની હાજરીમાં હોલિકા દહનનો કાર્યક્રમ યોજાયો હતો.
જામનગર શહેરના અનેક નાગરિકો હોળીને પૂજવા માટે શાક માર્કેટ વિસ્તારમાં એકત્ર થયા હતા, અને હોળી માતાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.