દ્વારકાના બરડીયા નજીક ગમખ્વાર અકસ્માત: જામનગરથી રાહત કામગીરી માટે ટીમ રવાના
દ્વારકાના બરડીયા નજીક ગઈકાલે થયેલા ગમખ્વાર અકસ્માતમાં અનેક લોકો ઘાયલ થયા હતા તેમજ સાત વ્યક્તિએ પોતાના જીવ ગુમાવ્યા હતા. આ દુર્ઘટનાની જાણ થતાં જ જામનગર જિલ્લાનું વહીવટી તંત્ર દોડતું થયું હતું. જામનગરની જી.જી. હોસ્પિટલના અનુભવી ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ અને અત્યાવશ્યક દવાઓ સાથે બે એમ્બ્યુલન્સ તાત્કાલિક ખંભાળિયા સિવિલ હોસ્પિટલ ખાતે રવાના કરવામાં આવી હતી. ઘાયલોને તાત્કાલિક સારવાર મળી રહે, તે માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત, જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ અધિક્ષક પણ સ્થળ પર પહોંચીને રાહત કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.
ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, સાંસદ પૂનમબેન માડમ અને ધારાસભ્ય પબુભા માણેક સહિતના આગેવાનો પણ સ્થળ પર દોડી ગયા હતા, અને ઘાયલોની સારવાર માટે મદદ કરી ને તંત્રને જરૂરી સૂચનાઓ આપી હતી.
આ અકસ્માતમાં 7 માનવીઓએ જીવ ગુમાવ્યા ઉપરાંત અન્ય 16 લોકો ઘાયલ થયા હતા, જે તમામની સઘન સારવાર માટે સમગ્ર ટીમ જોડાઈ હતી.