જામનગરની બાલાચડી સૈનિક સ્કૂલના બેન્ડ માસ્ટરની જાતીય સતામણીના કેસમાં જામીન અરજી રદ કરાઈ
Jamnagar News : જામનગર જિલ્લાના જોડીયા પંથકમાં બાલાચડીમાં આવેલી સૈનિક સ્કૂલના 12 વર્ષના બે વિદ્યાર્થીઓ સાથે જાતીય સતામણી કરવા અંગેના પ્રકરણમાં પકડાયેલા અને જેલવાસ ભોગવી રહેલા લંપટ બેન્ડ માસ્ટરની જામીન અરજી જામનગરની અદાલતે રદ કરી છે.
જામનગરની બાલાચડી સૈનિક સ્કૂલમાં બેન્ડ માસ્ટર તરીકે ફરજ બજાવતા પવન કુમાર જગદીશચંદ્ર ડાંગી કે જે મૂળ રાજસ્થાનના રહેવાસી છે, તેની સામે તાજેતરમાં સૈનિક સ્કૂલમાં જ અભ્યાસ કરતા 12 વર્ષના બે વિદ્યાર્થીઓ સાથે જાતીય સતામણી કરવા અંગેની ફરિયાદ જોડીયા પોલીસ મથકમાં નોંધાવાઈ હતી, જે ફરિયાદના અનુસંધાને જોડિયા પોલીસે લંપટ બેન્ડ માસ્ટર પવન કુમાર ડાંગીની અટકાયત કરી હતી, અને તેને જેલમાં ધકેલી દેવાયો હતો.
દરમિયાન આરોપી દ્વારા પોતાને જામીન પર મુક્ત કરવા માટે જામનગરની સેશન્સ અદાલતમાં અરજી કરવામાં આવી હતી. જેમાં જિલ્લા પબ્લિક પ્રોસિક્યુટર જમન ભંડેરી દ્વારા વિરોધ કરાયો હતો. જેની વિસ્તૃત દલોલોને ધ્યાનમાં રાખીને અદાલતે લંપટ બેન્ડ માસ્ટરની જામીન અરજી ફગાવી દીધી છે.