જામનગર જિલ્લા જેલમાં 14 જેટલાં કેદીઓએ હંગામો મચાવતા તંગદિલી
તમામ ઘટના CCTV કેમેરામાં કેદ, કેદીઓ સામે ફરજમાં રૂકાવટની ફરિયાદ : એકમાંથી બીજા યાર્ડમાં ઘૂસવાની કોશિષ કરનારા કાચા કામના કેદીને અટકાવતા તેણે જેલ સિપાહીને ધમકી આપી : અન્ય કેદીઓએ પણ એકત્ર થઇ ધમાલ મચાવી
જામનગર, : જામનગરની જિલ્લા જેલ ફરીથી ચર્ચાના એરણે ચડી છે. એક કાચા કામના કેદીના સમર્થનમાં કુલ ૧૪ જેટલા કેદીઓએ જેલમાં હંગામો મચાવ્યાનો અને જેલ સિપાઈની ફરજમાં રૂકાવટ ઊભી કર્યાનો મામલો પોલીસ મથકમાં લઈ જવાયો છે. જેલ સિપાહીએ 14 કેદીઓ સામે પોતાને ધાક-ધમકી આપી ફરજમાં રૂકાવટ ઉભી કરવા અંગેની ફરિયાદ નોંધાવી છે. ૧૫થી વધુ જેલ સ્ટાફે એકત્ર થઈ જઈ હંગામો મચાવનાર કેદીઓને કાબૂમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો, જેના સીસીટીવી ફૂટેજ પોલીસમાં રજૂ કરાયા છે.
ધ્રોલના ૩૦૨ના ગુનાના એક આરોપી હનીફ રસુલ મકવાણા જિલ્લા જેલમાં કાચા કામના કેદી તરીકે ચાર નંબરના બેરેકમાં રહે છે, પરંતુ ગઈકાલે સાંજે પોતાના યાર્ડમાંથી બહાર નીકળીને ૬ નંબરના ઘૂસવા જતાં ફરજ પર રહેલા જેલ સિપાહી ધર્મદિપસિંહ જીતેન્દ્રસિંહ જાડેજાએ તેને અટકાવ્યો હતો અને પોતાની બેરેકમાં જવાનું કહેતાં કેદી હનીફ મકવાણા ઉશ્કેરાયો હતો, અને ધર્મદિપસિંહ સાથે જીભાજોડી કરી હતી. એટલું જ માત્ર નહીં, મને એક દિવસ માટે પણ જામીન મળશે, એટલે સૌથી પહેલા હું તને પૂરો કરી દઈશ તેવી ધમકી આપી હતી.
આ માથાકૂટ પછી કેદી હનીફ મકવાણાને જેલની ઓફિસમાં લઈ જઈ તેનું નિવેદન નોંધવાની પ્રક્રિયા ચાલી રહી હતી અને જેલ અધિકારી કેદી તેમજ જેલ સિપાહી ધર્મ દિપસિંહ જાડેજાનું નિવેદન નોંધવાનો પ્રયત્ન કરી રહ્યા હતા તે દરમિયાન અન્ય 13 જેટલા કેદીઓએ જેલના પાછળના ફાટક પાસે એકત્ર થઈ જઇ હંગામો મચાવ્યો હતો અને અંદર ઘૂસવાના પ્રયત્ન સાથે ધમાલ કરી હતી. આથી જેલની અંદર હાજર રહેલા ૧૫ જેટલા સિપાઈઓ વગેરે એકત્ર થઇ ગયા હતા, અને સમગ્ર ટોળાને કાબૂમાં લઈને આખરે જેલની બેરેકમાં મોકલી દીધા હતા. દસેક મિનિટ સુધી ચાલેલા હંગામાનો સીસીટીવીમાં રેકોર્ડ થયેલો વીડિયો ફૂટેજના સ્વરૂપમાં એકત્ર કરી લેવામાં આવ્યો હતો, અને તે ફૂટેજના આધારે સિટી એ. ડિવિઝન પોલીસ મથકમાં હંગામો મચાવનારા કેદીઓ સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
જેલ સિપાહી ધર્મદિપસિંહ જીતેન્દ્રસિંહ જાડેજાની ફરિયાદના આધારે ધ્રોલના હત્યા કેસમાં કાચા કામના કેદી તરીકે રહેલા મુખ્ય સૂત્રધાર એવા હનીફ રસુલ મકવાણા, ઉપરાંત તેના સાગરિતો મનાતા એવા કાદર ઉર્ફે ઓઢીયો જુમાભાઈ જુણેજા, શબ્બીર ઉર્ફે માઈકલ ઉમરભાઈ ખફી, સોહીલ મહંમદભાઈ પારેખ, જાફર સીદીકભાઈ જુણેજા, ઉબેદ અબ્દુલભાઈ કોરડીયા, જહાંગીર યુસુફભાઈ ખફી, જબાર ઉર્ફે કારિયો હુસેનભાઇ સફીયા, અસલમ હુસેનભાઇ સફીયા, મુસ્તાક હોથી ભાઈ ખફી, એજાજ દાઉદભાઈ સફીયા, સાલેમામદ ઉર્ફે કચ્છી ઈશા ભાઈ છરૈયા, એઝાઝ ઉર્ફે ચકલી કાદરભાઈ શેખ, અને અસરફ ઈલિયાસભાઈ સાયચા વગેરે સામે ગુનો નોંધ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવને લઇને જેલ વર્તુળમાં ભારે તંગ વાતાવરણ બની ગયું હતું.