Get The App

જામનગરના કુખ્યાત ભૂમાફિયાના સાગરીત રજાક સોપારી બંધુઓનું વધુ એક કારસ્તાન સામે આવ્યું

- કચ્છની ખાનગી ફાઇનાન્સ કંપનીના 17થી વધુ ટ્રકો પડાવી લઇ રૂપિયા પોણા પાંચ કરોડનું કૌભાંડ આચર્યાની ફરિયાદથી ચકચાર

- ભૂમાફિયાના સાગરીત રજાક સોપારી અને તેના ભાઈ તેમજ ભાણેજ સામે સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં વધુ એક ગુનો દાખલ કરાયો

Updated: Oct 11th, 2020


Google NewsGoogle News
જામનગરના કુખ્યાત ભૂમાફિયાના સાગરીત રજાક સોપારી બંધુઓનું વધુ એક કારસ્તાન સામે આવ્યું 1 - image


- સોપારી બંધુઓના આતંકને કારણે ખાનગી ફાઇનાન્સ કંપનીએ જામનગરની પોતાની ઓફિસ પણ બંધ કરવાનો વારો આવ્યો હોવાનું ખુલ્યું

જામનગર, તા. 11 ઓક્ટોબર 2020 રવિવાર

જામનગરના કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલ ના મુખ્ય સાગરીત ગણાતા રજાક સોપારી અને તેના ભાઈ હુસેન અને તેના ભાણેજ વગેરે નું વધુ એક કારસ્તાન પ્રકાશમાં આવ્યું છે. 

કચ્છની એક ખાનગી ફાઇનાન્સ કંપની માંથી 17 જેટલા ટ્રકો લોન પર લીધા પછી લોનના હપ્તા નહીં ભરી રૂપિયા પોણા પાંચ કરોડનો ચૂનો ચોપડી દીધાનું અને ખાનગી ફાયનાન્સ કંપનીના સંચાલકોને ધાકધમકી આપી જામનગરમાં આવેલી તેની ઓફિસ પણ બંધ કરાવી દીધી હોવાનું જાહેર થયું છે. જે મામલે સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ત્રણેય સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે, અને પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે મૂળ અંજાર કચ્છ ના વતની અને અગાઉ જામનગરમાં ક્રોસ રોડ બિલ્ડિંગમાં હિન્દુજા ફાઇનાન્સ લિમિટેડ કંપની ના મેનેજર જયેશ તુલસીદાસ જોશીએ જામનગરના સીટી બી ડિવિઝન પોલીસ મથક પણ કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલના સાગરીત એવા રજાક ઉર્ફે સોપારી દાઉદ ભાઈ ચાવડા અને તેના ભાઈ હુસેન ચાવડા તેમજ ભાણેજ અમીન નોતીયાર સામે પોતાને તેમજ પોતાની ઓફિસના અન્ય કર્મચારીઓને ધાક-ધમકી આપી પૂર્વયોજીત કાવતરું ઘડી 17 જેટલા ટ્રકો પડાવી લઇ તેના બાકીના હપ્તા પણ નહીં ભરવા અંગે અને ફાઇનાન્સ કંપનીને રૂપિયા પોણા પાંચ લાખનું નુકસાન પહોંચાડ્યા ની ફરિયાદ નોંધાવી છે. 

જે ફરિયાદના અનુસંધાને સીટી બી ડિવિઝન પોલીસે રજાક સોપારી અને તેના ભાઈ હુશેન ચાવડા તથા ભાણેજ અમીન નોતીયાર સામે આઇપીસી કલમ 120-(બી), 386 ,384 ,504, 506-2,અને 507 મુજબ ગુનો નોંધ્યો છે, અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી જયેશ તુલસીદાસ જોશી કે જેઓ મૂળ કચ્છના વતની છે અને અને કચ્છ ના વેપારી ની માલિકીની હિન્દુજા ફાયનાન્સ લિમિટેડ કંપની કે જેની ઓફિસ જામનગર માં ક્રોસ રોડ બિલ્ડિંગમાં આવેલી હતી, જેમાં 2012થી 2020ના સમયગાળા દરમિયાન જુદા જુદા વ્યક્તિઓ દ્વારા લોન મારફતે 17 જેટલા ટ્રકો ખરીદવામાં આવ્યા હતા. જે તમામ ટ્રકોના લોનના હપ્તા નહીં ભરવા માટેનું ત્રણેય આરોપીઓએ કાવતરું રચ્યું હતું, અને કોઈપણ રીતે 17 ટ્રકો પોતાના કબજામાં લઇ લીધા હતા.

જે ટ્રકો ના બાકી ભરવાના થતા હપ્તાની રકમ ભરવા માટે તેમજ ટ્રકો સીઝ કરવા માટે ખાનગી ફાઇનાન્સ કંપની ની સીઝરની ટીમ આવતી હતી, ત્યારે તેઓને ધાકધમકી આપી ભગાવી દેવામાં આવતા હતા, અને જામનગરમાં ફરીથી આવશે તો પતાવી નાખીશું તેવી ગર્ભિત ધમકીઓ આપી હતી.

સાથોસાથ મોબાઇલ ફોનમાં અને ઓફિસે પણ આવીને દબાણ કરી ક્રોસ રોડ ની ઓફિસ પણ બંધ કરાવી દીધી હતી. જેથી ફાયનાન્સ કંપનીના સંચાલકો ડરના માર્યા જામનગર છોડીને ચાલ્યા ગયા હતા. પરંતુ તાજેતરમાં જ નવા જિલ્લા પોલીસ વડા દીપેન ભદ્રન નું જામનગરમાં આગમન થયું હોવાથી પોતાને ન્યાય મળશે તેવી આશા સાથે ફરીથી જામનગર પોલીસનો સંપર્ક સાધ્યો હતો, અને તેના આધારે સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં ત્રણેય આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેથી શહેરમાં ભારે ચકચાર જાગી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે મુખ્ય સૂત્રધાર રજાક સોપારી કે જે હાલ એલસીબીના કબજામાં છે અને અન્ય એક બિલ્ડર પર ફાયરિંગના પ્રકરણમાં તેની સામે તપાસ ચાલી રહી છે. જયારે તેજ ગુનામાં રજાક સોપારીનો ભાઈ હુસેન ચાવડા કે જે અગાઉ પકડાઈ ચૂક્યો છે, અને હાલ જેલવાસ ભોગવી રહ્યો છે. જ્યારે તેનો ભાણેજ અમીન નોતિયાર કે જે સરુસેક્સન રોડ પર નૂર ટ્રાન્સપોર્ટ નામની ઓફિસ ચલાવે છે. પરંતુ હાલ ફરાર થઈ ગયો હોવાથી સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા તેને સકંજામાં લેવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જ્યારે રજાક સોપારી તેમ જ તેના ભાઈ હુસેનનો જામનગરની અદાલતમાં થી ટ્રાન્સફર વોરંટ મારફતે કબજો મેળવવા માટેની પ્રક્રિયાઓ પણ શરૂ કરવામાં આવી રહી છે.


Google NewsGoogle News