જામનગરની જી.જી.હોસ્પિટલમાં ચાંદીપુરાના શંકાસ્પદ વધુ એક બાળ દર્દીનો ભોગ લેવાયો, રિપોર્ટ આવે તે પહેલાં જ બાળ દર્દીનું મૃત્યુ
Chandipura Virus Jamnnagar : જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ગઈકાલે સાંજે ધ્રોળની ચાર વર્ષની બાળકીને ચાંદીપુરાના શંકાસ્પદ દર્દી તરીકે દાખલ કરવામાં આવી હતી, અને તેની સધન સારવાર ચાલી રહી હતી, જેના નમુનાઓ લઈને પૃથ્થકરણ માટે પુનાની લેબમાં મોકલવામાં આવ્યા છે. દરમિયાન આજે વહેલી સવારે પાંચ વાગ્યે તેણીએ દમ તોડ્યો છે. જેનો રિપોર્ટ આવે તે પહેલાં જ બાળકીનું મૃત્યુ થયું હોવાનું જાહેર કરાયું છે. જેથી હોસ્પિટલ તેમજ બાળ દર્દીના પરિવારમાં ભારે દોડધામ થઈ છે.
જામનગર શહેર અને જિલ્લામાં અત્યાર સુધીમાં ચાંદીપુરાના શંકાસ્પદ એવા 14 દર્દીઓ નોંધાયા છે, જે તમામ બાળ દર્દીઓ પૈકી આઠ બાળ દર્દીઓના શંકાસ્પદ ચાંદીપુરાના દર્દી તરીકે મોત થયા છે. જ્યારે હાલ બે ચાંદીપુરાના શંકાસ્પદ દર્દી તરીકે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં સારવાર મેળવી રહ્યા છે, ઉપરાંત ત્રણ બાળ દર્દીઓની તબિયતમાં સુધારો થઈ જતાં જામનગરની જી.જી. હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.