Get The App

કોઈની ઈચ્છા વિરુદ્ધ રંગ ઉડાડવામાં આવશે તો..ધુળેટીના તહેવારને અનુલક્ષીને જામનગર જિલ્લામાં જાહેરનામું બહાર પડાયું

Updated: Mar 21st, 2024


Google NewsGoogle News
કોઈની ઈચ્છા વિરુદ્ધ રંગ ઉડાડવામાં આવશે તો..ધુળેટીના તહેવારને અનુલક્ષીને જામનગર જિલ્લામાં જાહેરનામું બહાર પડાયું 1 - image

image : Freepik

- કોઈની ઈચ્છા વિરુદ્ધ રંગ (કલર) ઉડાડવામાં આવશે, તો તેવા વ્યક્તિ સામે જાહેરનામાના ભંગ સંબંધે કાર્યવાહી થશે

જામનગર,તા.21 માર્ચ 2024,ગુરૂવાર

જામનગર જિલ્લામાં આગામી તારીખ 24 અને 25 માર્ચના રોજ હોળી-ધુળેટીના તહેવારોની ઉજવણી કરવામાં આવશે. આ તહેવારોની ઉજવણી દરમિયાન બહોળી સંખ્યામાં નાગરિકો ભાગ લેતા હોય છે. આ ઉજવણી દરમિયાન સુલેહ શાંતિ અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ યોગ્ય રીતે જળવાઈ રહે તે હેતુથી અધિક નિવાસી કલેકટર બી.એન.ખેર, જામનગર દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ-1951 ની કલમ-37 (1) તળે તેમને મળેલી સત્તાની રૂએ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. 

આ જાહેરનામામાં જણાવ્યા અનુસાર સમગ્ર જામનગર જિલ્લાના વિસ્તારમાં આગામી તારીખ 23.3.2024 ના સાંજે 6.00 કલાકથી આગામી તારીખ 25.3.2024 ના 24 કલાક દરમિયાન કોઈપણ વ્યક્તિની ઈચ્છા વિરુદ્ધ તેની ઉપર રંગ છાંટી શકાશે નહિ. કોઈપણ વ્યક્તિની લાગણી દુભાય તેવા શબ્દો અથવા સુત્રો પોકારવા નહિ. તેમજ પત્રિકા, પ્લેકાર્ડ, વિચિત્ર આકૃતિઓ કે વસ્તુઓ તૈયાર કરી શકાશે નહિ, કે તેનો ફેલાવો કરી શકાશે નહિ. 

ઉકત જાહેરનામાંના કોઈપણ ખંડનો ભંગ કે ઉલ્લંઘન કરનારી વ્યક્તિને ઓછામાં ઓછા 4 મહિનાની અને વધુમાં વધુ 1 વર્ષ સુધીની સજા થશે. તેમજ ગુજરાત પોલીસ અધિનિયમ-1951 ની કલમ-135 (1) મુજબ દંડની પણ સજા થશે.


Google NewsGoogle News