જામનગરની જિલ્લા જેલમાં 'વર્લ્ડ કેન્સર ડે' નિમિત્તે જાગૃતિ સેમિનાર યોજાયો
- 142થી વધુ બંદીવાન ભાઈઓ અને જેલ સ્ટાફનું કેન્સર વિભાગની ટીમ દ્વારા મેડિકલ પરીક્ષણ કરાયું
જામનગર, તા. 04 ફેબ્રુઆરી 2024, રવિવાર
જામનગરની જિલ્લા જેલમાં આજે 4.2.2024ને રવિવારના દિવસે 'વર્લ્ડ કેન્સર ડે' નિમિત્તે શંકુસ કેન્સર હોસ્પિટલના તબીબોની ટીમ દ્વારા કેન્સરની જાગૃતિ અર્થે સેમિનાર યોજાયો હતો તેમજ 142થી વધુ બંદીવાન ભાઈઓ અને તમામ જેલ સ્ટાફનું મેડિકલ પરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું.
જામનગરની જિલ્લા જેલના ઇન્ચાર્જ અધિક્ષક એમ. એન. જાડેજા ના પ્રયાસો થી જામનગરની જિલ્લા જેલમાં 'વર્લ્ડ કેન્સર ડે' નિમિત્તે કેન્સર જેવા ગંભીર રોગ અંગે જેલના બંદીવાન ભાઈઓ ઉપરાંત અધિકારી- કર્મચારી ગણ વગેરેમાં કેન્સર સંબંધે જાગૃતતા આવે, તેના માટે આજે વિશેષ સેમિનાર યોજવામાં આવ્યો હતો.
જામનગરની સંકુશ કેન્સર હોસ્પિટલ ના તજજ્ઞ તબીબો ની ટીમ દ્વારા જિલ્લા જેલમાં મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, અને તબીબો દ્વારા કેન્સર ની જાગૃતિ અર્થે બંદીવાન ભાઈઓ અને જેલ સ્ટાફને સેમીનાર ના માધ્યમથી વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, અને કેન્સરથી કઈ રીતે બચી શકાય, અને કયા કયા કારણોસર કેન્સર થાય છે, તે સમગ્ર માહિતી આપવામાં આવી હતી.
આ ઉપરાંત તજજ્ઞ તબીબોની ટીમના ડો.જે.એ.તેલી, ડો, હસ્તીનાબેન સંઘાણી, તેમજ જેલના ફિઝિશિયન સી.એસ.ડોગરા, ડો.અર્ચનાબેન સોલંકી, ડો. અલ્પેશ અગ્રાવત વગેરે દ્વારા વગેરે જેલમાં મેડિકલ કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં યોજાયેલા સેમિનારમાં 500થી વધુ બંદીવાન ભાઈઓ જોડાયા હતા. તેમજ જામનગર જિલ્લા જેલના તમામ અધિકારી અને કર્મચારીઓ ઉપરાંત 142 બંદીવાન ભાઈઓનું હેલ્થ સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું.