જામનગર નજીક બેડમાં આવેલી એક કિન્નરની વડીલોપાર્જિત મિલકત પચાવી પાડવાનો કારસો, સગા ભાઈએ આચરી છેતરપિંડી
image : Freepik
Jamnagar Land Fraud: જામનગર નજીક બેડમાં આવેલી એક કિન્નરની વડીલોપાર્જીત મિલકત કે જે જગ્યા પચાવી પાડવા માટે તેના જ સગા ભાઈએ ખોટા દસ્તાવેજ તૈયાર કરી સોગંદનામામાં અન્ય વ્યક્તિના ફોટા ચોટાડી કિન્નરનો હિસ્સો ડુબાડી દેવાના પ્રયાસ કર્યો હોવાથી તેની સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવાઇ છે, જે મામલે સિક્કા પોલીસ દ્વારા આરોપીને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે મૂળ જામનગર જિલ્લાના બેડના વતની અને હાલ વડોદરામાં હીજડા ગલીમાં રહેતા ચંદુભાઈ રાજાભાઈ ઓડિચ નામના કિન્નર, કે જેઓ હાલ લતાકુંવર નીતુકુંવર તરીકે ઓળખાય છે, જેણે પોતાના જ સગા ભાઈ ગીરીશભાઈ રાજાભાઈ ઓડીચ કે જેઓ હાલ રાજકોટ રહે છે તેમણે અન્ય કોઈ સાગરીતોની મદદથી બેડ ગામમાં આવેલી રેવન્યુ સર્વે નંબર 115 અને 116 ની જૂની શરત મુજબની જગ્યા, કે જેનો કુલ ક્ષેત્રફળ આશરે સાડા નવ વિઘા થાય છે અને હાલ તેની અંદાજિત કિંમત 40 લાખ રૂપિયા ગણાય છે.
જે જમીન પોતાના નામે કરી લેવા માટેનો કારસો રચ્યો હતો, અને કિન્નર ચંદુભાઈનો હિસ્સો ડુબાડવા માટે ખોટું સોગંદનામુ કર્યું હતું. તેમાં અન્ય કોઈ વ્યક્તિના ફોટા ચોંટાડી તેમાં અંગૂઠા અને બનાવટી સહી સિક્કા કરાવી લઇ તેનો દૂરઉપયોગ કરીને કિન્નરનો હિસ્સો ડુબાડવા માટેનો પ્રયાસ કર્યો હતો.
જે મામલે જિલ્લા પોલીસવડાને અરજી કરાયા બાદ સમગ્ર મામલો સિક્કા પોલીસ મથકે પહોંચ્યો હતો. જામનગરમાં પી.એસ.આઇ. વી.જે.રાઠોડ દ્વારા આ પ્રકરણની ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવી હતી. જેમાં કિન્નર સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું હતું.
જેથી કિન્નરની ફરિયાદના આધારે પીએસઆઇ વી.જે.રાઠોડએ રાજકોટમાં રહેતા ગીરીશ રાજાભાઈ ઓડીચ સામે આઇપીસી કલમ 406, 465, 467, 468 અને ૪૭૧ મુજબ 471 ગુન્હો નોંધ્યો છે, અને આરોપીને પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.