જામનગરના વેપારીને ગોવાની ટૂરનું બુકિંગ પડ્યું મોંઘુ : અમદાવાદના ટૂર ઓપરેટરે આચરી 17.48 લાખની છેતરપિંડી
Jamnagar Tour Fraud Case : જામનગરના મરચાના એક વેપારીએ પોતાના 323 ગ્રાહકો માટે અમદાવાદ થી ગોવા જવા માટેની ટૂર પેકેજનું બુકિંગ અમદાવાદની એક ટૂર કંપની સાથે કરાવ્યા પછી બુકિંગ કેન્સલ થઈ જતાં ટૂર પેકેજના ઓપરેટરે 17.48 લાખની રકમ પરત નહીં આપી હાથ ખંખેરી લીધા હતા, જેથી જામનગરના વેપારીએ અમદાવાદની ટૂર પેઢીના સંચાલક સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. ઉપરાંત જામનગરના વેપારીએ પોતાનું મકાન વેચી નાખી ગ્રાહકોના પૈસા ચૂકવી દીધા છે.
આ બનાવની વિગત એવી છે કે શહેરમાં રહેતા મુકેશભાઇ તારાચંદભાઇ શાહ મરચા સહિતની સામગ્રીનું વેચાણ કરવા માટેની આરાધ્ય સેલ્સ એજન્સી ચલાવે છે. જેણે પોતાના ધંધાના વિકાસ માટે તેઓની પેઢી સાથે જોડાયેલા જામનગરના 323 જેટલા વેપારી ગ્રાહકો કે જેઓને 2020-21 ની સાલમાં અમદાવાદ થી ગોવાની ટૂરનું પેકેજ આપ્યું હતું, અને તમામને જામનગર થી ત્રણ દિવસ અને ત્રણ રાતના રોકાણ સાથે ગોવાની ટ્રીપ કરાવવાનો પ્લાન કર્યો હતો.
જે મુજબ દરેક વ્યક્તિ પાસેથી 15,800 ની રકમ મેળવી હતી અને 323 ગ્રાહકોના કુલ 17 લાખ 48 હજારની રકમનો અમદાવાદની પેઢી ડ્રીમ હોલીડેના સંચાલક આનંદભાઈ સોનીને રકમ આપીને બુકિંગ કરાવ્યું હતું. પરંતુ કોરાના કાળ આવી જતાં બુકિંગ કેન્સલ કર્યું હતું, અને ટૂર રદ કરવામાં આવી હતી. જેથી પેકેજના પૈસા અમદાવાદની પેઢીના સંચારક પાસે પરત માંગતાં લાંબા સમયથી આપ્યા ન હતા. ના છુટકે જામનગરના વેપારીએ પોતાનું મકાન 19.50 લાખમાં વેચી નાખવાનો વારો આવ્યો હતો, અને તે રકમમાંથી પોતાના ગ્રાહકોને સાચવવાના ભાગરૂપે રકમ પરત ચૂકવી દીધી હતી. જયારે અમદાવાદની પેઢી પાસેથી પૈસાની માંગણી કરવામાં આવી હતી, પરંતુ તેણે કોઈપણ પ્રકારની રકમ આપી ન હોવાથી આખરે મામલો પોલીસમાં મથકમાં લઈ જવાયો હતો, અને જામનગરના સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં મુકેશભાઈ તારાચંદએ અમદાવાદની પેઢીના સંચાલક આનંદભાઈ સોની સામે ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના અનુસંધાને છેતરપિંડી અંગે ગુનો નોંધી તપાસનો દોર અમદાવાદ સુધી લંબાવ્યો છે.