રાજકોટ ગેમઝોનમાં આગની ધટના બાદ જામનગરમાં ગેમઝોન પર તંત્રની કામગીરી : 15 ગેમઝોનમાંથી એકપણ પાસે NOC નહીં
Jamnagar Gamezone : જામનગર શહેર અને આસપાસના જુદા જુદા 15 જેટલા ગેમઝોન, વિડીયો પાર્લર વગેરે આવેલા છે, અને તે સ્થળે ક્યાંક બાળકો માટેની નાની મોટી રાઈડ ચાલી રહી છે, અથવા તો વિડીયો ગેમ મશીનો વગેરે મૂકીને બાળકોને ગેમ રમવા માટેની વ્યવસ્થા કરાઇ છે. જે તમામ સ્થળે જામનગર મહાનગરપાલિકાના મ્યુનિ. કમિશનર દ્વારા રાજ્ય સરકારના આદેશને અનુલક્ષીને એક કમિટી ગઠિત કરવામાં આવી હતી. પોલીસ વિભાગ, મહાનગરપાલિકાની ફાયર શાખા તથા અન્ય જરૂરી ટીમ પી.જી.વી.સી.એલ.ની ટુકડી, શહેર વિભાગના મામલતદારની ટીમ વગેરે દ્વારા શહેરમાં ગઈકાલે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
રવિવારે સવારથી જ મીટીંગોનો દોર યોજીને કમિટી બનાવ્યા પછી અલગ અલગ ત્રણ ટીમો બનાવીને જુદા જુદા વિસ્તારમાં આવેલા ગેમ ઝોનમાં તપાસણી શરૂ કરી દેવાઇ હતી. જે તપાસણી દરમિયાન કોઈપણ સ્થળે ફાયર વિભાગની એનઓસી, ઇલેક્ટ્રિક વિભાગની જરૂરી એનઓસી તેમજ યાંત્રિક રાઈડના ફિટનેસ સર્ટિફિકેટ વગેરે મેળવાયા ન હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો, અને કોઈપણ પ્રકારની મંજૂરી કે જરૂરી લાયસન્સની પ્રક્રિયા પૂર્ણ કર્યા વિના તમામ ગેમઝોન ચાલતા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.
એકમાત્ર જામનગર મહાનગરપાલિકા સંચાલિત એમયૂઝમેન્ટ પાર્કની અંદર મશીન માનોરંજનની રાઈડ લગાવવામાં આવી છે, અને તેની યાંત્રિક ફિટનેશ સર્ટિફિકેટ લેવા સહિતની અગાઉ કાર્યવાહી કરવામાં આવી હતી, પરંતુ હાલના સંજોગોમાં ઉપરોક્ત તમામ રાઈડ બંધ અવસ્થામાં હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જેથી તેના સંચાલકોને નોટિસ પાઠવી ફરીથી રાઇડ ચાલુ કરે તો તમામ પ્રકારના એનઓસી સહિતના ડોક્યુમેન્ટ મહાનગરપાલિકાની કચેરીમાં રજૂ કર્યા પછી જ રાઈડ ફરી ચાલુ કરવા માટેની સૂચના આપવામાં આવી હતી.
આ ઉપરાંત જામનગરની ભાગોળે આવેલા જેસીઆરમાં પણ બાળકોની અલગ અલગ રાઈડ ચલાવવામાં આવતી હતી, જે સ્થળે પણ કોઈ પણ પ્રકારની એન.ઓ.સી સહિતની પ્રક્રિયાઓ પૂર્ણ કરાઇ ન હોવાથી તેના સંચાલકને પણ સ્થળ પર જ નોટિસ આપીને તમામ રાઈડ બંધ કરાવી દેવામાં આવી છે.આ ઉપરાંત જામનગરની ભાગોળે સિક્કા રોડ પર આવેલા સેવન સીઝન રિસોર્ટમાં પણ ગેમઝોનચાલી રહ્યો છે જેના સંચાલ લોકોને પણ નોટિસ આપીને બંધ રાખવા સૂચના અપાઇ હતી.
જામનગરના ખોડીયાર કોલોની વિસ્તારમાં ક્રિસ્ટલ મોલની સામે ખાનગી પાર્ટી પ્લોટમાં નવરંગ મેલાના નામથી મનોરંજન પાર્ક ચાલી રહ્યો છે, જેમાં નાની મોટી અનેક રાઈડ લગાવવામાં આવેલી છે. જ્યાં પણ કોઈ પણ પ્રકારની એનઓસીની પ્રક્રિયા કરવામાં આવી ન હોવાથી તેના સંચાલકને પણ તાકીદની નોટિસ પાઠવીને તમામ રાઈડ બંધ કરી દેવા સૂચના અપાઇ હતી અને ખાનગી મેળો બંધ કરાવાયો છે.
તે જ રીતે જામનગરના લાખોટા તળાવની પાળ જૂની આરટીઓ કચેરીની સામેના ભાગમાં નાની મોટી બાળકોની અનેક રાઈડ ચલાવાતી હતી, જે તમામ ગેરકાયદે રીતે ચાલતી હોવાનું અને તેઓ દ્વારા કોઈપણ પ્રકારનું લાયસન્સ અથવા એન.ઓ.સી. મેળવાઇ ન હોવાથી તમામને નોટિસ પાઠવી રાઈડ બંધ કરાવી દેવાઇ છે. સાથો સાથ જામનગર શહેરના અલગ અલગ વિસ્તારમાં આવેલા નાના મોટા વિડીયો ગેમ પાર્લર જ્યાં પણ ફાયર અથવા અન્ય કોઈ લાયસન્સ વગેરેનો અભાવ જોવા મળ્યો હતો. અને તે તમામ ગેમઝોનના સંચાલકોને નોટીસ પાઠવી ગેમઝોન બંધ કરાવવામાં આવ્યા છે.
આમ કુલ ગઈકાલે રવિવારના દિવસે સર્વે દરમિયાન 15 સ્થળોએ એક પણ પ્રકારની મંજૂરીના પુરાવાઓ સામે આવ્યા ન હતા, અને તમામ ગેમઝોન મંજૂરી વિના ધમધમતા હોવાનું સામે આવ્યું છે, અને તંત્ર દ્વારા સંપૂર્ણપણે ગેમઝોનને બંધ કરાવી દેવામાં આવ્યા છે.