જામનગર નજીક નાઘેડીમાં એક યુવાને પ્રેમ લગ્ન કર્યા પછી પ્રેમિકાના પરિવારજનોએ હંગામો મચાવ્યાનું પ્રકરણ
જામનગર તાલુકાના નાઘેડી ગામમાં રહેતા એક યુવાનને પ્રેમ કરવો ભારે પડ્યો હયો. પ્રેમિકાના પિતા- ભાઈ- મામા સહિતના આરોપીઓએ ઘરમાં ઘૂસી આવી હંગામા મચાવ્યો હતો, અને પ્રેમી યુવાન અને તેના પરિવાર પર હુમલો કરી પ્રેમિકાનું અપહરણ કરાયું હતું, જેમા પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી બે આરોપીઓને ઝડપી લીધા છે, અને તેઓના કબજા માંથી પ્રેમિકાને છોડાવી લીધી છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં નજીક નાઘેડીમાં રહેતા અને ફર્નિચરનું કામ કરતા હાર્દિક ભીખુભાઈ ધોકીયા નામના પ્રજાપતિ કુંભાર યુવાને તાજેતરમાં જ નાઘેડીમાં રહેતા હાજાભાઇ આલાભાઇ આંબલીયા ની પુત્રી રીનાબેન સાથે પ્રેમ લગ્ન કરી લીધા હતા.
જે રીનાબેનના પરિવારોને મંજૂર ન હોવાથી રીનાબેન ના પિતા હાજાભાઇ આલાભાઇ આંબલીયા, તેમજ ભાઈ રાહુલ હાજાભાઈ આંબલીયા, અને રાહુલના મામા તથા અન્ય સાગરીતોએ પ્રજાપતિ યુવાનના ઘેર પહોંચી જઈ હંગામો મચાવ્યો હતો.
ઉપરોક્ત તમામ આરોપીઓ કે જેઓએ રીનાબેન ને રૂમમાં બંધ કરીને રાખી હતી, તે રૂમનો દરવાજો તોડીને બળજબરીપૂર્વક અપહરણ કરી ગયા હતા. તેમજ પ્રેમી યુવાન અને તેના પરિવારજનો પર હુમલો કરાયો હોવાથી પંચકોશી બી. ડિવિઝન પોલીસ
મથકમાં તમામ આરોપીઓ સામે અપહરણ અને હુમલા અંગેની ફરિયાદ નોંધાવાઈ હતી.
જેથી પંચ કોશી બી. ડિવિઝન પોલીસે તમામ આરોગ્ય સામે આઇપીસી કલમ ૩૬૫,૪૨૭,૪૫૨,૩૨૩,૫૦૪,૫૦૬-૨,૩૪,૧૪૩,૧૪૭,૧૪૮ તેમજ જીપીએકટ કલમ ૧૩૫-૧ મુજબ ગુનો નોંધ્યો હતો, અને તમામ આરોપીઓની શોધખોળ આરંભી ગણતરીના કલાકોમાં બે આરોપીઓ રાહુલ હાજાભાઇ આંબલીયા (મોટા લખિયા લાલપુર), તેમજ કારુભાઇ રામજીભાઈ જોગલ (મેવાસા- ભાણવડ), જે બંનેની અટકાયત કરી લેવામાં આવી છે, અને તેઓ પાસેથી પ્રેમિકા નો કબજો છોડાવી લેવાયો છે. ઉપરાંત અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરાઈ છે.