જામનગર શહેર અને ધ્રોળ-જોડીયામાં પાંચ દિવસના વિરામ બાદ ફરીથી મેઘો મંડાયો: વરસાદી ઝાપટાં શરૂ થયા
Jamnagar Rain Update : જામનગર શહેર અને જિલ્લામાં પાંચ દિવસના વિરામ બાદ આજે વહેલી સવારથી એકાએક હવામાનમાં પલ્ટો આવ્યો છે, અને હવામાન ખાતાએ કરેલી આગાહી મુજબ ફરીથી વરસાદી માહોલ બંધાયો છે. અને ઝરમર વરસાદ શરૂ પણ થઈ ગયો છે.
હવામાન ખાતા દ્વારા સૌરાષ્ટ્ર કચ્છમાં ફરી વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે, અને વરસાદી માહોલ પણ બંધાયેલો જોવા મળે છે. ત્યારે જામનગર શહેરમાં આજે વહેલી સવારથી જ આકાશમાં ફરી વાદળોના ગંજ ખડકાઈ ગયા હતા, અને ધીમે ધીમે વરસાદી ઝાપટાં શરૂ થઈ ગયા છે.
આ ઉપરાંત જામનગર જિલ્લાના જોડિયામાં પણ વરસાદી માહોલ બંધાયો છે, અને સવારે 6.00 વાગ્યાથી ઝરમર ઝરમર વરસાદ શરૂ થયો છે. ઉપરાંત ધ્રોલમાં પણ વરસાદી વાતાવરણ બનેલું છે, અને 7 મી.મી. જેટલો વરસાદ પડી ગયો છે.
કાલાવડ-લાલપુર અને જામજોધપુર પંથકમાં પણ હવામાન પલટાયું છે, અને વાદળછાયું વાતાવરણ બન્યું છે. હજુ વધુ વરસાદ પડે તેવી શક્યતાઓ દર્શાવાઇ રહી છે.