Get The App

લાલપુરના ગજણા ગામની 10મા ધોરણની વિદ્યાર્થીનીનું અપહરણ કરનાર આરોપી પકડાયા બાદ કસ્ટડીમાંથી ભાગી છુટતા ભારે ચકચાર

Updated: Mar 2nd, 2024


Google NewsGoogle News
લાલપુરના ગજણા ગામની 10મા ધોરણની વિદ્યાર્થીનીનું અપહરણ કરનાર આરોપી પકડાયા બાદ કસ્ટડીમાંથી ભાગી છુટતા ભારે ચકચાર 1 - image


- પોલીસ કસ્ટડીમાંથી ફરાર થયા બાદ પોતાના ઘેર જઈ ઝેરી દવા પી લેતાં સારવાર માટે જામનગરની જી.જી હોસ્પિટલમાં પોલીસ પહેરા હેઠળ દાખલ કરાયો

જામનગર,તા.02 માર્ચ 2024,શનિવાર

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ગજણા ગામની દસમા ધોરણની વિદ્યાર્થીનીનું ગત સપ્તાહે અપહરણ કરાયું હતું, જેનું અપહરણ કરી જનાર આરોપીને પોલીસે ઝડપી લીધો હતો, અને પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યો હતો, જ્યાંથી આરોપી ભાગી છુટતાં ભારે દોડધામ થઈ હતી, દરમિયાન તેણે પોતાના ઘેર જઈ ઝેરી દવા પી લેતાં તેને સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં પોલીસ પહેરા હેઠળ દાખલ કરવામાં આવ્યો છે.

 આ બનાવની વિગત એવી છે કે લાલપુર તાલુકાના ગજણા ગામમાં રહેતી અને દસમા ધોરણમાં અભ્યાસ કરતી 16 વર્ષની એક સગીરાનું અપહરણ થઈ ગયું હતું, અને પોતે જે ઇકો કારમાં અભ્યાસ કરવા માટે લાલપુર જતી હતી, તે ઇકો કારનો ચાલક સમીર કારાભાઈ હમિરાણી નામનો 23 વર્ષનો શખ્સ અપહરણ કરી ગયો હતો.

 જે આરોપીને લાલપુર પોલીસે મોબાઈલ ટાવરના લોકેશનના આધારે છેક તપાસનો દોર રાજસ્થાન સુધી લંબાવ્યા પછી ગઈકાલે રાજસ્થાનમાંથી ઝડપી લીધો હતો, અને રાત્રિના સમયે લાલપુર લઈ આવ્યા પછી તેને લાલપુર પોલીસ મથકમાં રાખવામાં આવ્યો હતો.

 દરમિયાન પોલીસ સ્ટેશનમાં હાજર રહેલા પી.એસ.ઓ.ની નજર ચૂકવીને પોતે ભાગી છૂટ્યો હતો. જેથી પોલીસ તંત્રમાં દોડધામ થઈ હતી.જે ગજણા ગામે પોતાના ઘેર પહોંચ્યો હતો, અને ત્યાં જઈને ઝેરી દવા પી લેતાં પોલીસ તેના ઘેર પહોંચી હતી, અને તાત્કાલિક અસરથી તેને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, અને તેના પર પોલીસ પહેરો ગોઠવી દેવાયો છે.

 આરોપી જામનગર થી સગીરાને ભગાડી ગયા પછી તેણે સગીરા સાથે દુષ્કર્મ ગુજાર્યું હોવાનું પણ સામે આવી રહ્યું છે. જેથી સગીરાની તબીબી ચકાસણી કરવામાં આવી રહી છે, જ્યારે આરોપી સામે પોકસો સહિતની જુદી જુદી કલમોનો ઉમેરો કરવામાં આવી રહ્યો છે.


Google NewsGoogle News