જામજોધપુરના ભૂપત આંબરડીના આસામીને વીજચોરીના કેસમાં ત્રણ ગણો દંડ ભરવા હુકમ કર્યો
Jamnagar News : જામજોધપુરના ભૂપત આંબરડી ગામમાં ત્રણ વર્ષ પહેલાં વીજ કંપનીએ ચેકીંગ કરી એક આસામીને નજીકના થાંભલેથી લંગર નાખી વીજચોરી કરતાં પકડી પાડ્યા હતા. જે નોંધાયેલો ફોજદારી ગુન્હો ચાલી જતાં અદાલતે આ આરોપીને તક્સીરવાન ઠરાવ્યા પછી સીધી સજાના બદલે એક વર્ષના પ્રોબેશન પર સારી ચાલ ચલગતના રૂ.25 હજારના જામીન તેમજ જાત મુચરકા આપવાનો હુકમ કરવા ઉપરાંત દંડની રૂ.1 લાખ ઉપરાંતની રકમ ત્રણ ગણી ચૂકવી આપવા અથવા છ મહિનાની કેદ ભોગવવા હુકમ કર્યો છે.
જામજોધપુર તાલુકાના ભૂપત આંબરડી ગામમાં રહેતા ગજેન્દ્રસિંહ ઉદેસિંહ જાડેજા નામના આસામીને ત્યાં ગઈ તા.5-1-21ના વીજ કંપનીના સ્ટાફે ચેકીંગ કરતા આ આસામી પોતે વીજ મીટર ધરાવતા હોવા છતાં ઘર પાસે આવેલા થાંભલામાંથી સર્વિસ વાયર મેળવી વીજચોરી કરતા હોવાનું જણાઈ આવતા આ આસામીને રૂ.1,08,584નું પુરવણી બીલ આપવામાં આવ્યું હતું અને તેની સામે ફોજદારી ફરિયાદ કરાઈ હતી.
તે કેસ ચાલી જતાં અદાલતે આરોપી ગજેન્દ્રસિંહ જાડેજાને વીજ અધિનિયમની કલમ હેઠળ તક્સીરવાન ઠરાવ્યા પછી તે ગુન્હાની સીધી સજા ન કરી હતી પરંતુ એક વર્ષના પ્રોબેશન પર સારી ચાલ ચલગતના રૂ.25 હજારના જામીન તથા જાતમુચરકા રજૂ કરવાનો હુકમ કર્યો છે. તે ઉપરાંત વીજચોરીના બીલની ત્રણ ગણી રકમ 30 દિવસમાં દંડ પેટે જમા કરાવવા અન્યથા છ મહિનાની કેદ ભોગવવા આદેશ કરવામાં આવ્યો છે.