જામનગર શહેર અને સિક્કામાં અકસ્માતોની હારમાળા : ત્રણ વાહન અકસ્માતમાં એક વ્યક્તિનું મૃત્યુ, અન્ય બે ને ઇજા

Updated: Jan 11th, 2024


Google NewsGoogle News
જામનગર શહેર અને સિક્કામાં અકસ્માતોની હારમાળા : ત્રણ વાહન અકસ્માતમાં એક વ્યક્તિનું મૃત્યુ, અન્ય બે ને ઇજા 1 - image


- સિક્કા પાટીયા નજીક ખાનગી લક્ઝરી બસની ઠોકરે બેડ ગામના 55 વર્ષના આધેડનો ભોગ લેવાયો

- જામનગરમાં ગોકુલ નગરમાં રાહદારી મહિલાને બાઇકની ઠોકરે ઇજા: ખોડીયાર કોલોની નજીક કારની ઠોકરે બાઈક ચાલક ઘાયલ

જામનગર,તા.11 જાન્યુઆરી 2024,ગુરૂવાર 

જામનગર શહેર અને સિક્કામાં છેલ્લા 24 કલાક દરમિયાન ત્રણ અકસ્માત સર્જાયા છે, જેમાં એક 55 વર્ષના આધેડનો ખાનગી લક્ઝરી બસની ઠોકરે ભોગ લેવાયો છે, જ્યારે અન્ય બે વાહન અકસ્માતમાં એક રાહદારી મહિલા તેમજ એક બાઈક ચાલકને ફ્રેક્ચર સહિતની ઇજા થઇ છે.

 અકસ્માતનો પ્રથમ બનાવ જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર સિક્કા પાટીયા પાસે બન્યો હતો, જયાં ગઈકાલે સવારના 9.00 વાગ્યાના અરસામાં પુર ઝડપે આવી રહેલી જીજે 18 એ.વી. 6397 નંબરની ખાનગી લકઝરી બસના ચાલકે બેડ ગામમાં રહેતા કાદરભાઈ ઓસમાણભાઈ કંડીયા નામના 55 વર્ષના આધેડને હડફેટમાં લઈ ગંભીર ઇજા પહોંચાડતાં તેઓનું મૃત્યુ નીપજયું હતું.

 આ અકસ્માતના બનાવ અંગે મૃતકના પુત્ર સાદીકભાઈ કાદરભાઈ કંડીયાએ મેઘપર પોલીસને જાણ કરતાં મેઘપર પોલીસે મૃતદેહ નો કબજો સંભાળ્યો છે, જ્યારે અકસ્માત સર્જનાર ખાનગી લક્ઝરી બસનો ચાલક બસ છોડીને નાસી છૂટ્યો હોવાથી પોલીસે રેઢી પડેલી બસ કબજે કરી લઇ તેના ચાલકની શોધખોળ હાથ ધરી છે.

અકસ્માતનો બીજો બનાવ જામનગરમાં ગોકુલનગર રડાર રોડ પર બન્યો હતો. જ્યાંથી પગપાળા ચાલીને જઈ રહેલા ટમુબેન વાલજીભાઈ જાખેલીયા નામના 49 વર્ષના રાહદારી મહિલાને જી.જી.10 ડી.સી. 4466 નંબરના બાઈકના ચાલકે હડફેટમાં લઈ ફ્રેકચર સહિતની ઈજા પહોંચાડ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.

આ ઉપરાંત જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાંથી બાઈક લઈને પસાર થઈ રહેલા અરૂણભાઇ આંબાભાઈ કુડેચા નામના બાઈક ચાલક યુવાનને જી.જે. ટી.એક્સ. 3128 નંબરની ઇકો કારનાં ચાલકે ઠોકરે ચડાવી ફ્રેક્ચર સહિતની ઇજા પહોંચાડી છે.

જે અકસ્માતના બનાવ અંગે બાઈક ચાલકે ઇકો કારના ચાલક યોગેશભાઈ કુબાવત સામે સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.


Google NewsGoogle News