જામનગર સીટી સી.ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ વતી રૂ.22 હજારની લાંચ લેનાર હોમગાર્ડ એસીબીના હાથે ઝડપાયો
(હોમગાર્ડ હરપાલસિંહ જાડેજા અને હેડ કોન્સ્ટેબલ કલ્પેશ ગઢવી)
- દારૂ અંગેના કેસમાં લાંચની માંગણી કરાઈ હતી: ફરાર થઈ ગયેલા પોલીસ હેડ કોન્સ્ટેબલની એસીબી દ્વારા શોધખોળ
જામનગર,તા.07 નવેમ્બર 2023,મંગળવાર
જામનગરના સીટી સી. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના એક પોલીસ જમાદાર વતી હોમગાર્ડના એક જવાનને જામનગર એસીબીની ટીમે રૂપિયા બાવીસ બજારની લાંચ લેતાં ઝડપી લીધો છે, જયારે પોલીસ હેડ કોન્સ્ટેબલ ફરાર થઈ જતાં તેની શોધખોળ હાથ ધરી છે. જામનગર એસીબીની આ કાર્યવાહીને લઈને પોલીસ બેડામાં ભારે હલચલ મચી ગઈ છે.
આ દરોડાની વિગત એવી છે કે જામનગર શહેરના સીટી 'સી' ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં આવતી ખોડીયાર કોલોની પોલીસ ચોકીના હેડ કોન્સ્ટેબલ કલ્પેશ ગઢવી વતી રૂ.22,000 ની લાંચ લેતા હોમગાર્ડ હરપાલસિંહ જાડેજા રંગેહાથ ઝડપાયો હતો. તેમજ એસીબીની ટીમે હેડ કોન્સ્ટેબલ કલ્પેશ ગઢવીની શોધખોળ હાથ ધરી છે.
એક દારૂના કેસ મામલે પોલીસકર્મી કલ્પેશ ગઢવીએ રૂ.30,000 ની લાંચની માંગણી કરી હતી. જે દારૂ સાથે દારૂનો ધંધાર્થી ઝડપાયો હતો, તેણે અગાઉ 8,000 રૂપિયા આપતાં લાંચ માંગનારે લઈ લીધા હતા. બાકીના રૂપિયા 22,000 લેવા જતાં પોલીસકર્મી કલ્પેશ ગઢવી વતી હોમગાર્ડ હરપાલસિંહ જાડેજા એસીબીના હાથે રંગે હાથ ઝડપાઇ ગયો હતો.
હાલ જામનગર એ.સી.બી દ્વારા હોમગાર્ડની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે, અને હેડ કોન્સ્ટેબલ કલ્પેશ ગઢવી ફરાર થઇ ગયા હોવાથી તેની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. જામનગર એસીબીની આ કાર્યવાહીથી જામનગરના પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે.