જામનગર નજીક પડાણામાં કારખાનામાં કામ કરી રહેલા વેલ્ડર યુવાનનું વિચિત્ર અકસ્માતમાં ગંભીર ઇજા થવાથી કરૂણ મૃત્યુ
image : Freepik
મૃતક યુવાનનો હાથ ડ્રમ બેલ્ટ મશીનમાં આવી જતાં ખંભામાંથી હાથ ચિરાઈ જવાના કારણે ભારે બિહામણા દ્રશ્યો સર્જાયા
જામનગર,તા.16 માર્ચ 2024,શનિવાર
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પડાણા ગામમાં એક કારખાનામાં કામ કરી રહેલા વેલ્ડર યુવાનનો અકસ્માતે ડાબો હાથ ડ્રમ બેલ્ટ મશીનમાં આવી જતાં ખંભામાંથી હાથ ચીરાઈ ગયો હતો, અને ગંભીર ઇજા થવાથી તેનું કરૂણ મૃત્યુ નીપજયું હતું, અને ભારે બિહામણા દ્રશ્યો સર્જાયા હતા.
આ વિચિત્ર અકસ્માતના બનાવની વિગત એવી છે કે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ધરમપુર વાડી વિસ્તારમાં રહેતો હરપાલભાઈ ડાયાભાઈ ચોપડા નામના 20 વર્ષનો યુવાન, કે જે જામનગર-ખંભાળિયા હાઈવે રોડ પર પડાણા ગામના પાટીયા પાસે આવેલા સનરાઈઝ નામના કારખાનામાં વેલ્ડર તરીકે ફરજ બજાવે છે. જેને ગઈકાલે પોતાના કામકાજ દરમિયાન અકસ્માત નડ્યો હતો. ડ્રમ બેલ્ટ મશીનમાં કામ કરતી વખતે તેનો ડાબો હાથ મશીનની અંદર આવી ગયો હતો, અને બગલમાંથી હાથ ચિરાઈને હાડકા ભાંગી ગયા હતા. જેથી ભારે રક્તસ્ત્રાવ થયો હતો, અને તેનું ગંભીર ઇજા થવાથી કરુણ મૃત્યુ નિપજ્યું હતું.
આ અકસ્માતના બનાવ અંગે મૃતકના પિતા ડાયાભાઈ મનજીભાઈ ચોપડાએ પોલીસને જાણ કરતાં મેઘપર પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ વી.સી.જાડેજાએ ઘટના સ્થળે દોડી જઇ મૃતદેહનો કબજો સંભાળ્યો છે, અને સમગ્ર બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.