જામનગરનો રીક્ષા ચાલક યુવાન એકસાથે 11 જેટલા વ્યાજખોરોની ચૂંગાલમાં ફસાયો
Jamnagar News : જામનગરના જલારામ નગર વિસ્તારમાં રહેતો એક રીક્ષા ચાલક યુવાન 11 જેટલા વ્યાજખોરોની ચૂંગાલમાં ફસાયો હતો, પોતાની માતાની કેન્સરની બીમારી માટે એક વ્યાજખોર પાસેથી વ્યાજે પૈસા લીધા બાદ તેનું રાક્ષસી વ્યાજ ચૂકવવા માટે ના છૂટકે એક પછી એક કુલ 11 વ્યાજખોરો પાસેથી 10 થી 20 ટકા લેખે વ્યાજે નાણા લેવા પડયાનો વારો આવ્યો હતો. આખરે તમામ વ્યાજખોરોની ભીંસ વધી જતાં મામલો પોલીસ મથકમાં લઈ જવાયો હતો અને તમામ 11 વ્યાજખોરો સામે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં જલારામ નગરમાં રહેતા અને રીક્ષા ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા મનીષ શાંતિલાલ હિંડોચા કે જેના માતાને કેન્સરની બીમારી હોવાથી અને પોતાનો ધંધો બરાબર ચાલતો ન હોવાથી 2015 ની સાલમાં જામનગરના અનિરુદ્ધસિંહ ઝાલા નામના એક વ્યક્તિ પાસેથી સૌપ્રથમ 30,000 રૂપિયા વ્યાજે લીધા હતા અને તેનું દર મહિને 10 ટકા વ્યાજ ચૂકવતો હતો. પરંતુ માતાની બીમારીની સારવાર અને પોતાનો ધંધો બરાબર ચાલતો ન હોવાથી વધારે નાણાંની જરૂરિયાત પડતાં અશોકસિંહ ચુડાસમાં નામના અન્ય વ્યક્તિ પાસેથી વધુ પૈસા વ્યાજે લીધા હતા.
ત્યારબાદ તેનું વ્યાજ ચૂકવવા માટે એક પછી એક અન્ય લોકો પાસેથી પૈસા લેવાનો વારો આવ્યો હતો, અને મહેન્દ્રસિંહ જાડેજા, કિરીટસિંહ જાડેજા, ગીરીરાજસિંહ જાડેજા, પૃથ્વીરાજસિંહ ઝાલા, સુરેશભાઈ આહીર, હિતેશભાઈ ગોપીયાણી, સલીમભાઈ સમા, રાજુભાઈ જાડેજા અને રઘુભા જાડેજા નામના 11 વ્યક્તિઓ પાસેથી અલગ અલગ રકમ 10 થી 30 ટકાના વ્યાજે મેળવી હતી. અને તમામ વ્યાજખોરોને લાખો રૂપિયાની રકમ ચૂકવી દીધી હોવા છતાં હજુ મુદ્દલ અને વ્યાજ ચૂકવવા માટે દબાણ કરવામાં આવતું હોવાથી આખરે મામલાને ડિટી બી. ડિવિઝન પોલીસમાં લઈ જવાયો હતો, અને તમામ 11 આરોપીઓ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુજરાત મની લેન્ડર્સ એક્ટ 2011 ની કલમ 5, 39, 40 અને 42 મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.