જામજોધપુરના જામશખપુર ગામમાં શ્રમિક યુવાનને કાંટાળી તારમાંથી વીજ શોક લાગતાં અપમૃત્યુ
- વાડીની કાંટાળી તારમાં વીજ પ્રવાહ ચાલુ રાખી દેનાર વાડી માલિક સામે જામજોધપુર પોલીસે ગુન્હો નોંધ્યો
જામનગર,તા.19 માર્ચ 2024,મંગળવાર
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના જામશખપુર ગામમાં એક વાડી માલિકે પોતાની કાંટાળી તારની ફેન્સીંગમાં પ્રાણીથી બચવા માટે વીજ પ્રવાહ ચાલુ કરી દેતાં વાડીમાં કામ કરતા શ્રમિક યુવાનનો હાથ ફેન્સીંગને અડી જવાથી વીજ આંચકો લાગતાં અપમૃત્યુ થયું છે. પોલીસે વાડી માલિક સામે ગુનો નોંધ્યો છે.
આ બનાવની વિગત એવી છે કે મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુરના વતની અને હાલ જામજોધપુર તાલુકાના જામશખપુર ગામના ખેડૂત રૂડાભાઈ આલાભાઇ મુછારાની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા છગનભાઈ નાનકીયા ભાઈ દેવડા નામના 30 વર્ષના પર પ્રાંતિય શ્રમિક યુવાનને પોતાની વાડી પાણી વાળવાનું કામ કરતી વખતે ફેનસિંગને હાથ અડી જતાં વાડીની ફેન્સીંગમાંથી એકાએક વીજ આંચકો લાગવાથી તેનું મૃત્યુ નીપજ્યું હતું.
આ બનાવ અંગે મૃતક ની પત્ની મીનાબેન છગનભાઈ દેવડાએ જામજોધપુર પોલીસ મથકમાં વાડી માલિક ખીમાભાઈ જગાભાઈ રાડા સામે ફરિયાદ નોંધાવતાં જામજોધપુર પોલીસે ફેન્સીંગમાં વીજ પ્રવાહ ચાલુ કરી દેનાર ખેડૂત સામે ગુનો નોંધ્યો છે.