જામનગર નજીક બે ટ્રક અને બાઈક વચ્ચેના ત્રીપલ અકસ્માતમાં બાઈક ચાલક યુવાનનું મૃત્યુ

Updated: Jul 29th, 2024


Google NewsGoogle News
જામનગર નજીક બે ટ્રક અને બાઈક વચ્ચેના ત્રીપલ અકસ્માતમાં બાઈક ચાલક યુવાનનું મૃત્યુ 1 - image


Accident in Jamnagar : જામનગર નજીક લાલપુર બાયપાસ રોડ પર નવા મોખાણા ગામના પાટીયા પાસે બે ટ્રક અને એક બાઈક વચ્ચે ગઈ રાત્રે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો, જે અકસ્માતમાં મોખાણા ગામના બાઈક ચાલક યુવાનનું બંને ટ્રકની બોડી વચ્ચે ચગદાઈ જતાં કરુણ મૃત્યુ નીપજ્યું હતું. ફાયર બ્રિગેડ ની ટીમે ભારે જહેમત લઈને યુવાનને ટ્રકની બોડીની નીચેથી  બહાર કાઢ્યો હતો.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગર નજીક લાલપુર બાયપાસ રોડ પર મોખાણા ગામના પાટીયા પાસે ગઈકાલે રાત્રિના સવા દસેક વાગ્યાના અરસામાં જીજે-12 બી.વાય.7837 નંબરનો ટ્રક ટેલર તેમજ જીજે-12 એ.ટી.9331 નંબરના અન્ય ટ્રક ટેલર અને એક બાઈક વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં નવા મોખાણા ગામના જયેશભાઈ અમુભાઈ સીયાર નામના બાઇક ચાલક યુવાનને ગંભીર ઇજા થઈ હતી, અને ટ્રકની બોડી નીચે ફસાયો હતો.

આ અકસ્માતના બનાવ બાદ ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો, અને ફાયર બ્રિગેડની ટીમની મદદ લેવામાં આવી હતી. જે સ્ટાફ તુરતજ ત્યાં પહોંચી ગયો હતો, અને મહા મહેનતે ઇજાગ્રસ્ત યુવાન જયેશ અમુભાઈ શિયાળને બહાર કાઢીને સારવાર માટે જીજી હોસ્પિટલમાં પહોંચાડ્યો હતો, પરંતુ ત્યાં તેનો મૃતદેહ જ પહોંચ્યો હોવાનું જાહેર કરાયું હતું.

આ અકસ્માતના બનાવ અંગે મૃતકના ભાઈ સંજય અમુભાઈ શિયારે પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં જીજે-12 વી.વાય. 7837 નંબરના ટ્રક ટ્રેલરના ચાલક સામે ફરિયાદ નોંધાવતાં પંચકોશી બી. ડિવિઝનનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો, અને મોડી રાત્રે ભારે જહેમત લઈને માર્ગ પરથી વાહનોને ખસેડાવ્યા પછી વાહન વ્યવહારને પૂર્વવત બનાવ્યો હતો.

 આ અકસ્માતને લઈને હાઈવે રોડ પરનો એક તરફનો વાહન વ્યવહાર બંધ થયો હોવાથી રોડની બીજી તરફ વાહનોના થપ્પા લાગ્યા હતા, અને પોલીસને વાહન વ્યવહાર રાબેતા મુજબ કરાવવા માટે ભારે જહેમત કરવી પડી હતી.


Google NewsGoogle News