જામનગરના બેડી વિસ્તારમાં દૂધની ડેરી ચલાવતા વેપારી બે વ્યાજખોરોની ચુંગાલમાં ફસાયા

Updated: Oct 22nd, 2023


Google NewsGoogle News
જામનગરના બેડી વિસ્તારમાં દૂધની ડેરી ચલાવતા વેપારી બે વ્યાજખોરોની ચુંગાલમાં ફસાયા 1 - image


Image Source: Twitter

- 8 લાખના 48 લાખ રૂપિયા રાક્ષસી વ્યાજ પેટે ચૂકવ્યા છતાં મકાન પણ ગુમાવવાનો વારો આવ્યો

- એક વ્યાજખોરે ચાર લાખ રૂપિયાના 46 લાખ વસૂલી લીધા પછી મકાનના દસ્તાવેજો પોતાના નામે કરાવી લીધા

- બીજા વ્યાજખોરે પણ ચાર લાખના 10 ટકા લેખે 12 લાખ પડાવી લીધા પછી મકાનનો કબજો કરી લીધો

જામનગર, તા. 22 ઓક્ટોબર 2023, રવિવાર

જામનગર ના બેડી વિસ્તારમાં દૂધની ડેરી અને પાન ની દુકાન ચલાવતા એક વેપારી લોકડાઉન સમયે બે વ્યાજખોરોની ચુંગાલમાં ફસાયા હતા, અને એક વ્યાજખોરને ચાર લાખનું 10 ટકા લેખે 46 લાખ ચૂકવી દીધા પછી પણ મુદ્દલ બાકી રહેતી હોવાથી 15 લાખ ની કિંમતના મકાનના કાગળો લખાવી લીધાની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે, જ્યારે બીજા વ્યાજખોરે ૪ લાખ ના બાર લાખ પડાવી લીધા પછી આશરે 7 લાખની કિંમતના મકાનનો કબજો કરી લીધો હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાવાતાં ભારેચાર જાગી છે.

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં બેડી- ધરારનગર -1 માં રહેતા અને એ જ વિસ્તારમાં આરજુ પાન એન્ડ ડેરી નામથી દૂધની ડેરી તથા પાનની દુકાન ચલાવતા આરીફભાઈ કાદરભાઈ સંધી (ઉ.વ.39) કે જેઓ જામનગરના બે વ્યાજખોરો ની ચુંગાલમાં ફસાયા છે, અને તેઓએ બેડેશ્વર વિસ્તારમાં રહેતા એજાજ ઉંમર ભાઈ સાયચા અને ઇકબાલ ઇબ્રાહીમભાઇ ધૂધા સામે પોતાની પાસેથી રાક્ષસી વ્યાજ વસૂલવા અંગેની ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર સને 2018 ની સાલમાં પોતાના ધંધા માટે  બેડીમાંજ રહેતા એઝાઝ સાઈચાઈએ ફરીયાદી આરીફભાઈ પાસેથી ચાર લાખ રૂપિયા 10 ટકા ના વ્યાજ ના દરે લીધા હતા. લોકડાઉનના સમયગાળા દરમિયાન નુક્શાની થઈ હોવાથી દુકાન બંધ કરવાનો વારો આવ્યો હતો, જેનું  10-ટકા લેખે  વ્યાજની રકમ ચડતી જતી હતી. અત્યાર સુધીમાં કુલ 46 લાખનું વ્યાજ ચૂકવી દીધું હોવા છતાં હજુ મુદ્દલ બાકી રહી છે, તેમ કહી એજાજે ફરિયાદી આરીફભાઈ જે મકાનમાં રહે છે, તે આશરે 15 લાખની કિંમતના મકાનના દસ્તાવેજો પોતાની નામે કરાવી લીધા હતા.

આઉપરાંત ફરિયાદી ને વ્યાજ ની વધુ રકમ ચૂકવવા માટે ની જરૂરિયાત ઊભી થઈ હોવાથી વધુ રકમ વ્યાજે લેવાનો વારો આવ્યો હતો, અને જામનગરના ધરાર નગર વિસ્તારમાં રહેતા ઈબ્રાહીમ ધુધા પાસેથી બે કટકે 4 લાખ લીધા હોવાનું જણાવ્યું હતું, જે ચાર લાખની સામે અત્યાર સુધીમાં ૧૨ લાખ રૂપિયા વ્યાજ પેટે વસુલી લીધા હતા. તેમ છતાં પણ મુદ્દલ રકમ બાકી હોવાનું જણાવી આરીફભાઈ નું અંદાજે સાતેક લાખ રૂપિયાની કિંમતનું બીજું મકાન પચાવી પાડ્યું હતું, અને પોતાના કબજામાં લઈ લીધૂ છે.

 જે સમગ્ર મામલો સીટી બી. ડિવિઝન પોલીસમાં લઈ જવાતાં પોલીસે આઈપીસી કલમ 384,504 તથા ગુજરાત મની લેન્ડર્સ એકટ ની કલમ 5,40,42 મુજબ-ગુન્હો નોંધ્યો છે, અને આરોપીઓને પકડવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News