સૌરાષ્ટ્રના સૌથી મોટા 'મેગા મોલ'માં ગઈ કાલે ભયાનક આગ, જ્વેલરી સહિત માલસામાન બળીને ખાખ
- રિલાયન્સ કંપનીના 15 ફાયર ફાઇટર ઉપરાંત જામ્યુકો સહિત સૌરાષ્ટ્રભરના 50 થી વધુ ફાયર ફાઈટરોની આગ બુઝાવવા માટે મદદ લેવાઈ
જામનગર,તા.09 ફેબ્રુઆરી 2024,શુક્રવાર
જામનગર નજીક મોટી ખાવડી વિસ્તારમાં આવેલા સૌરાષ્ટ્રના સૌથી મોટા રિલાયન્સ મેગા મોલમાં રાત્રિના 9 વાગ્યાને 50 મિનિટે શોર્ટ સર્કિટ થવાના કારણે અન્યથા કોઈ પણ કારણસર આગ લાગી હતી, અને જોતજોતામાં આગે મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જેને લઈને ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો, અને આગ બુઝાવવામાટે રિલાયન્સ કંપનીના 15 ફાયર ફાઈટર ઉપરાંત આસપાસના વિસ્તારમાં આવેલી ખાનગી કંપનીના ફાયર ફાઇટર તેમજ જામનગર- રાજકોટ- કાલાવડ-ધ્રોળ- દ્વારકા- ઓખા સહિતના તમામ સરકારી ફાયર ફાઈટરની મદદ લેવાઈ હતી, અને 50 જેટલા ફાયર ફાઈટરોની મદદથી 200 થી વધુ પાણીના ટેન્કરોના ફેરા કરીને આગ બુજાવવામાં આવી હતી, અને સતત સાત કલાક સુધી આ કામગીરી ચાલી હતી. આગના કારણે સંપૂર્ણ મેગા મોલ બળીને ખાખ થયો છે, અને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. સદભાગ્યે આગજનનીની ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિના અહેવાલો મળ્યા નથી.
જામનગર ખંભાળિયા ધોરી માર્ગ પર મોટી ખાવડી સ્થિત રિલાયન્સ મેગા મોલમાં ગઈ રાત્રિના 9 વાગ્યાને 50 મિનિટે મોલના બંધ કરવાના સમયે પાછળના ભાગમાં અકસ્માતે આગ લાગી હતી. આ સમયે મોલમાં કોઈ હાજર ન હોવાથી કોઇ જાનહાની થઈ ન હતી. પરંતુ આગે થોડી ક્ષણોમાં જ મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું.
મેગા મોલમાં અનાજ કારીયાણાંની ચીજ વસ્તુ, તેલ,કપડાં, સહિતની વસ્તુઓ સ્ટોરેજ કરીને રાખી હતી, જેમાં આગ પહોંચતા આગની મોટી જ્વાળા ઉઠવા માંડી હતી, ગણતરીની મિનિટોમાં રિલાયન્સ કંપનીના ફાયર ફાઈટરો બનાવના સ્થળે પહોંચી ગયા હતા, અને પાણીનો મારો ચલાવવાનું શરૂ કર્યો હતું. પરંતુ જોતજોતામાં આગ સમગ્ર મોલમાં ફેલાઈ હતી.
જામનગર જિલ્લા કલેકટરને આગજનીની ઘટનાની જાણ થતા આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા, દ્વારકા, અને ઓખા થી ફાયર ફાઈટર દોડાવાયા હતા, જ્યારે રાજકોટ ગોંડલ સહિતના સૌરાષ્ટ્રભરમાંથી અન્ય ફાયર ફાઈટરોની પણ આગ બુજાવવા માટે મદદ લેવામાં આવી હતી. અંદાજે 50 જેટલા ફાયર ફાઈટર બનાવના સ્થળે ગણતરીના સમયમાં પહોંચી ગયા હતા, અને સમગ્ર મોલને ચોતરફથી કોર્ડન કરીને પાણીનો મારો ચલાવી આગ બુજાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા.
આગના કારણે મોલનો ડોમ ધરાશાઇ થઈ ગયો હતો, અને પતરા સહિતનો સમગ્ર શેડ સળગતા માલ સામાનની ઉપર પડ્યો હતો, જેથી નીચે આગ ચાલુ રહી હતી, પરંતુ પતરાના કારણે આગ બુઝાવવી મુશ્કેલ હતી. જેથી વધુ સમય સુધી પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાનો વારો આવ્યો હતો, અને 200થી વધુ પાણીના ટેન્કરનો ઠાલવી દેવાયા હતા, અને આખરે સાત કલાકની જહેમત બાદ વહેલી સવારે 5.00 વાગ્યાને 10 મિનિટે આગ બુઝાવવાની કામગીરીને પૂર્ણ જાહેર કરવામાં આવી હતી. સમગ્ર મોટી ખાવડી વિસ્તારમાં આગની જ્વાળાઓ દૂર સુધી દેખાઇ હોવાથી ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો, અને આસપાસના વિસ્તારમાં પાર્ક કરાયેલા વાહનોને પણ ત્યાંથી દૂર કરી દેવાયા હતા.
108ની ચાર એમ્બ્યુલન્સને રિલાયન્સ મોલ બહાર સ્ટેન્ડબાય રખાઇ , જામનગરની જી.જી. હોસ્પિટલમાં પણ મેડિકલ ટીમને શાબદી કરી દેવાઇ
જામનગર નજીક મોટી ખાવડી વિસ્તારમાં આવેલા રિલાયન્સ મોલમાં રાત્રિના સમયે આગની ઘટના બન્યા પછી કોઈ જાનહાનીના અહેવાલ પ્રાપ્ત થયા નથી, પરંતુ જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા મેડિકલની ટીમને શાબદી કરી દેવામાં આવી હતી. જેમાં સૌપ્રથમ મોટીખાવડી અને આસપાસની વિસ્તારની ચાર 108 નંબરની એમ્બ્યુલન્સને રિલાયન્સ મોલની બહાર સ્ટેન્ડબાયમાં મૂકી દેવામાં આવી હતી. સાથોસાથ રિલાયન્સ કંપનીની એમ્બ્યુલન્સને પણ રિલાયન્સ મોલની બહાર તૈયાર રખાઇ હતી તેમજ મેડિકલ સ્ટાફને પણ તૈયાર રખાયો છે.
જામનગરની સરકારી જી.જી હોસ્પિટલમાં પણ તબીબોની ટુકડી, અન્ય પેરા મેડીકલ સ્ટાફ વગેરેને હાજર રાખવી જરૂરી દવાઓ વગેરે પણ તૈયાર કરીને રખાયા હતા. પોલીસ તંત્ર દ્વારા જામનગર-ખાવડી રોડ પર કડક પેટ્રોલિંગ હાથ ધરી જરૂરિયાત વગરના વાહનોને અવરજવર બંધ કરાવી દેવાયા હતા, અને કોઈપણ વાહન મોટી ખાવડી આસપાસ વિના કારણે ઉભા ન રહે, અને વાહન વ્યવહાર એક તરફથી ચાલુ રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. હતા જે કોઈ જાનહાની થઈ ન હતી, પરંતુ આગ બુજાવવાની કામગીરી દરમિયાન એક-બે ફાયર ના જવાનોને સામાન્ય ઇજા થઈ હતી, અને તેઓને સ્થળ પર જ પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.
આગનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ ની ટીમ દોડતી થઈ
મોટી ખાવડી સ્થિત મેગા મોલમાં આગ લાગવાની ઘટના પછી આગ ક્યાંથી ઉદભવી, અને કયા કારણોસર આગ લાગી હતી, તે જાણવા માટે તપાસની ટીમ કામે લાગી છે. ફોરેન્સિક વિભાગની ટીમ કટના સ્થળે પહોંચી ગઈ હતી, અને સમગ્ર ઘટનાનું વિડીયો રેકોર્ડિંગ કરીને નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. શોર્ટ સર્કિટના કારણે આગ ઉદભવી હોય તેવુ પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જોકે તેનો અંતિમ રિપોર્ટ આવ્યા પછી ચોક્કસ કારણ જાણી શકાશે.
આગના કારણે મેગા મોલને કરોડોનું નુકસાન: મોલનો ઇન્સ્યોરન્સ હોવાથી સર્વેની કામગીરી
જામનગર નજીક મોટી ખાવડીમાં આવેલા મેગા મોલમાં અકસ્માતે આગ લાગવાના કારણે સમગ્ર મોલ બળીને ખાખ થયો છે, તેનો ડોમ ધરાસાઈ થઈ ગયો હતો, જેની નીચે તમામ ચીજ વસ્તુઓ બળીને ખાખ થઇ છે. જેમાં મોટાભાગે અનાજ કરિયાણું તેલ તથા અન્ય ચીજ વસ્તુઓ ઉપરાંત કપડાં તથા અન્ય વેચાણની સામગ્રી હતી. જે તમામ બળીને થઈ ગઈ છે. ખાસ કરીને મેગા મોલની અંદર રિલાયન્સ જવેલ નામનો જ્વેલરીનો મોટો શોરૂમ હતો, અને તેમાં ખૂબ જ અત્યાધુનિક અને અતિ કીમતી આભૂષણો, ચાંદી, હીરા ઝવેરાત સહિતની વસ્તુઓ પણ હતી, જે તમામ વસ્તુઓ બળીને ખાખ થઈ છે, જેના કારણે ભારે નુકસાન થયું હોવાનું અંદાજવામાં આવી રહ્યું છે.
મેગા મોલનો વીમો ઉતરાવેલો હોવાથી વીમા કંપની દ્વારા પણ નજીકના ભવિષ્યમાં સર્વેને કામગીરી શરૂ કરી દેવાશે, અને ક્યા વિભાગમાં કેટલી ચીજ વસ્તુઓ રાખવામાં આવી હતી, અથવા તો મોલની અંદર કેટલો સ્ટોક હતો, જે તમામની નોંધ થયેલી હોવાથી તેનો સર્વે કરીને નુકસાની નો અંદાજ કાઢવામાં આવી રહ્યો છે. જોકે આ સમગ્ર પ્રક્રિયાને લાંબો સમય લાગી જાય તેમ છે.