જામનગરના ભીમવાસ વિસ્તારમાં કળીયૂગી શ્રવણ એવા પુત્રએ માતા-પિતાને જ પતાવી દેવાની ધમકી આપી
- કામ ધંધો કરવાનું સમજાવવા જતાં માતા-પિતાને જ પતાવી દેવાની ધમકી ઉચ્ચારતો પુત્ર
જામનગર,તા.19 માર્ચ 2024,મંગળવાર
જામનગરના ભીમવાસ વિસ્તારમાં રહેતા એક કલિયુગી શ્રવણ એવા પુત્રએ પોત પ્રકાશયું છે, અને કામ ધંધો કરવા માટે સમજાવનાર પોતાના માતા પિતાને જ ગાળો ભાંડી પતાવી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાતાં ભારે ચકચાર જાગી છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં ભીમવાસ શેરી નંબર ત્રણમાં રહેતા કંચનબેન કાનજીભાઈ ખીમસુરીયાર નામના 42 વર્ષના મહિલાએ પોતાને તેમજ પોતાના પતિ કાનજીભાઈને ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે પોતાના જ કળીયુગી શ્રવણ એવા પુત્ર વિવેક કાનજીભાઈ ખીમસુરીયા સામે પોતાને તેમજ પોતાના પતિ કાનજીભાઈને ગાળો ભાંડી પતાવી દેવાની ધમકી આપવા અંગેની ફરિયાદ સિટી એ. ડિવિઝન પોલીસમાં નોંધાવી છે.
ફરિયાદીનો પુત્ર કોઈ કામ ધંધો કરતો ન હોવાથી તેમજ પોતાની માતા પાસે પૈસા માંગતો હોવાથી તેના પિતા કાનજીભાઈએ કામકાજ કરવા માટે ઠપકો આપી સમજાવ્યા હતા, જેથી માઠું લાગી આવતાં આ ધમકી ઉચ્ચારી હોવાનું માતા દ્વારા પોલીસમાં જાહેર કરાયું છે પોલીસે પુત્ર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.