જામનગરના હાપા રેલવે સ્ટેશન પર પેટ્રોલ ડીઝલ ભરેલી માલગાડીની બાજુમાં શોર્ટ સર્કિટના આગ લાગતાં ભારે દોડધામ
- રેલવેના સ્ટાફે કેમિકલ પાવડરના બાટલામાંથી ફાયરિંગ કરી આગને કાબુમાં લઈ લેતાં મોટી દુર્ઘટના ટળી
જામનગર.તા 29 એપ્રિલ 2023,શનિવાર
જામનગર નજીક હાપાર રેલ્વે સ્ટેશન પર ઉભેલી ડીઝલ-પેટ્રોલ ભરેલી માલગાડીની બાજુમાં બે રેલવે ટ્રેકની વચ્ચે ઊભા કરાયેલા ઇલેક્ટ્રીક પોલમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી.
રેલવેના સ્ટાફે સમય સૂચકતા વાપરી રેલવે સ્ટેશન પર મૂકવામાં આવેલા ફાયર એક્સટીગ્યુશરમાંથી કેમિકલ યુક્ત પાવડરનું ફાયરિંગ કરીને આગ બૂજાવી દેતાં મોટી જાનહાની અને દુર્ઘટના ટળી હતી, અને સર્વેએ હાશકારો અનુભવ્યો હતો. ફાયર બ્રિગેડની ટીમ પણ દોડતી થઈ હતી, પરંતુ તે પહેલા આગ કાબુમાં આવી ગઈ હતી.
આગના આ બનાવની વિગત એવી છે કે જામનગર નજીક હાપા રેલવે સ્ટેશન પર એક નંબરના પ્લેટફોર્મ પર ૪૦ જેટલા ડીઝલ- પેટ્રોલ ભરેલા ટેન્કરો સાથેની એક માલ ગાડી ઊભેલી હતી.
દરમિયાન બાજુમાં જ રેલવેના ઇલેક્ટ્રીક વાયરીંગના બોક્સ કે જેમાંથી એર કન્ડિશનવાળા ડબ્બામાં બેટરી ચાર્જ કરવામાં આવે છે, તે ઇલેક્ટ્રીક બોક્સમાં સવારે ૧૦ વાગ્યાને દસ મિનિટે આગ લાગી ગઈ હતી. આગના આ બનાવને લઈને રેલવે સ્ટેશન પર ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.
રેલવેના હાજર રહેલા દસેક જેટલા કર્મચારીઓએ પ્લેટફોર્મ પર મૂકવામાં આવેલા કેમિકલ પાવડર સાથેના ફાયર એકસ્ટીગ્યુસરનો ઉપયોગ કરી કેમિકલ પાઉડરનો મારો ચલાવ્યો હતો, અને આગની કાબુમાં લઈ લીધી હતી.જે આગ સમયસર કાબુમાં આવી જવાના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. જેથી સમગ્ર રેલ્વે સ્ટાફે હાશકારો અનુભવ્યો હતો.
આ બનાવ અંગે ફાયર બ્રિગેડને જાણ કરાતાં ફાયર શાખાની ટુકડી પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી. પરંતુ તે પહેલા આગ કાબુમાં આવી ગઈ હોવાથી રાહતનો શ્વાસ લીધો હતો.