લાલપુર તાલુકાના ગલ્લા ગામ નો પતિ અને પત્નીના આપઘાતનો અતી ચકચાર જનક કિસ્સો
- વાંજીયા મેણું ટાળવા દેવીપુજક યુવાને ગળાફાંસા દ્વારા આપઘાત કર્યા પછી તેની પત્નીએ પણ ઝેર પી લઇ મોતની સોડ તાણી
જામનગર, તા. 28 જાન્યુઆરી 2024, રવિવાર
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ગલ્લા ગામમાં પતિ અને ત્યારબાદ પત્નીના આપઘાત નો કિસ્સો સામે આવતાં ભારે અરેરાટી ફેલાઈ છે. 10 વર્ષના લગ્ન ગાળા દરમિયાન સંતાન પ્રાપ્ત થતું ન હોવાથી દેવીપુજક યુવાને ગળાફાંસો ખાઈ લીધા પછી તેની પત્નીએ પણ ઝેરી દવા પી લઇ આત્મહત્યા કરી લેતાં ભારે ચકચાર જાગી છે.
આ બનાવની વિગત એવી છે કે લાલપુર તાલુકાના ગલ્લા ગામમાં રહેતા ખેડુત શક્તિ સિંહની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા હિરેનભાઈ સાડમીયાં નામના 33 વર્ષના દેવીપુજક યુવાને ગત 18મી જાન્યુઆરી દીવશે પોતાની વાડીમાં ઝાડની ડાળીમાં દોરડું બાંધી ગળાફાંસા દ્વારા આપઘાત કરી લીધો હતો. જે બનાવ બાદ તેની પત્ની શીતલબેન હિરેનભાઈ સાડમિયા કે જેણે પોતાના પરિવારના સભ્યોને પોતાના પતિએ ઝાડમાં લટકીને આપઘાત કરી લીધો હોવા અંગેની ટેલીફોન થી જાણ કરી હતી, ત્યારબાદ પોતે પણ ઝેરી દવા પી આપઘાત કરી લે છે તેમ જણાવી ફોન કાપી નાખ્યો હતો, અને શીતલબેને પોતાની વાડીમાં પડેલી જંતુનાશક દવા પી લેતાં તેણીને બેશુદ્ધ અવસ્થામાં સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં પરમદિને સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નીપજયું છે. અને પતિ બાદ પત્નીએ પણ અનંત ની વાટ પકડી છે.
આ બનાવ અંગે મૃતક શીતલબેન ના ભાઈ જામનગર તાલુકાના નવા મોખાણા ગામમાં રહેતા અમિતભાઈ દલસિંગભાઈ વાઘેલાએ પોલીસને જાણ કરતાં લાલપુરના એ.એસ.આઈ. કે. કે. ચાવડા જી.જી. હોસ્પિટલ તેમજ બનાવના સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસની પૂછપરછ દરમિયાન મૃતક શીતલબેન અને તેમના પતિ હિરેનભાઈ કે જે બંનેના 10 વર્ષના લગ્ન ગાળા દરમિયાન સંતાન પ્રાપ્ત થયું ન હતું, તે અંગે મેડિકલ તપાસણી કરાવતાં હિરેનભાઈ ને ખામી હોવાનું જાણવા મળ્યું હોવાથી પોતે ગુમસુમ રહેતા હતા, અને ગત ૧૮ જાન્યુઆરીએ ગળાફાંસા દ્વારા આપઘાત કરી લીધો હતો, જેની પાછળ તેની પત્ની શીતલબેને પણ પોતાનું જીવન સમાપ્ત કરી નાખવા માટે ઝેર પી લીધું હોવાનું સામે આવ્યું છે. આ બનાવને લઈને લાલપુર પંથકમાં ભારે ચકચાર જાગી છે.